Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ફાયર સેફ્ટીની પાઈપથી કાર ધોવા માટે ફ્લેટના રહેવાસીઓ વચ્ચે થયો ઝઘડો

અમદાવાદ, શ્યામલ ચોકડી પાસે એક હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ વચ્ચે બુધવારે રાતે કાર ધોવા માટે ફાયર હોઝનો (આગ નળ) ઉપયોગ કરવા બાબતે જબરદસ્ત બોલાચાલી થઈ હતી. સેટેલાઈટ પોલીસે સામસામી ફરિયાદો દાખલ કરી હતી, જેમાં ગુરુવારે બે જૂથોએ એકબીજા પર હુમલો અને ગુનાહિત ધાકધમકીનો આરોપ લગાવ્યો હતો.

પહેલી ફરિયાદમાં, મનન શાહ (૪૨) બાંધકામ કોન્ટ્રાક્ટર અને પાર્શ્વ ટાવરના રહેવાસીએ જણાવ્યું હતું કે તેમની સોસાયટીએ સોમવારે નવા ફાયર સેફ્ટી સાધનો લગાવ્યા હતા. ચંદ્રકાંત દોશી નામનો રહેવાસી કથિત રીતે ફાયર સેફ્ટી હોઝનો ઉપયોગ કરીને પોતાની કાર ધોતો હતો.

મનને આ અંગે સોસાયટીના વોટ્‌સએપ ગ્રુપ પર મેસેજ કર્યો હતો. બુધવારે સાંજે ચંદ્રકાંતના દીકરા જિમિતે મનન પર આરોપ લગાવ્યો હતો અને ગ્રુપમાં મેસેજ મોકલવા સામે વાંધો ઉઠાવ્યો હતો તેમજ કથિત રીતે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જિમિતે તેના પર હુમલો કર્યો હોવાનું મનને કહ્યું હતું.

પ્રજ્ઞેશ શાહ નામના અન્ય એક રહેવાસીએ પણ મનન પર ચંદ્રકાંત માટે ખરાબ ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું હતું. મનને કહ્યું હતું કે પ્રજ્ઞેશે જિમિતની સાથે તેના પર હુમલો કર્યો હતો. અન્ય રહેવાસીઓએ જિમિત અને પ્રજ્ઞેશથી તેને બચાવ્યો હોવાનું ઉમેર્યું હતું.

બીજી તરફ, જિમિતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મનન શાહ અને સોસાયટીના ચેરમેન મંત્ર પુરોહિત તેમજ સૌમિલ સામે મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી.

જિમિતે કહ્યું હતું કે, ફાયર સેફ્ટીની પાઈપલાઈનથી કાર ધોવા માટે તેના પિતાએ માફી માગી હતી અને વોટ્‌સએપ ગ્રુપમાં મેસેજ ન મોકલવાની વિનંતી કરી હતી. જ્યારે ચંદ્રકાંતે મનને આ વાત કહી તો કથિત રીતે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને હુમલો કર્યો હતો. જ્યારે જિમિત અને પ્રજ્ઞેશે દખલગીરી કરી તો મનન, મંત્ર અને પ્રજ્ઞેશે તેને પણ ફટકાર્યો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers