Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પતિના મોતની ખબર મળવાના અડધા કલાકમાં જ પત્નીનું મોત

નવસારી, નવસારીમાં એક દુખદ ઘટના બની હતી. અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા. નવસારીના ખેરગામ તોરણવેરા ગામના ૩૮ વર્ષીય અરૂણ ગાવિતનું ગુરૂવારે રાતે બાઈક ગામમાં જ સ્લીપ થતા મોતને ભેટ્યા હતા.

અરૂણ ગાવિતના મોતની વાત જાણતા જ પત્ની ભાવના ગાવિત બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. ત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી પણ તેમને પણ હૃદયરોગના હુમલાને કારણે પત્ની ભાવનાએ પણ પણ પ્રાણ છોડ્યા હતા.

પતિના મોતના અડધા કલાકમાં જ પત્નીના મોતથી બે માસૂમ બાળકોએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે. મૃતક ભાવના ગાવીત ખેરગામના પૂર્વ સરપંચ હતા. સેવાભાવી દંપતીના મોતથી તોરણવેરામાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે રહેતા અરુણભાઈ ગાવિત ગુરુવારે રાતે કોઈ કામ અર્થે બહાર ગયા હતા. ૩૮ વર્ષીય અરુણભાઈ ગાવિત રાતે ૮.૩૦ કલાકે કામ પતાવીને પરત ઘરે ફરી રહ્યાહ તા, ત્યારે ગરનાળા પાસે તેમની બાઈક સ્લીપ થઈ ગયુ હતું.

આ બાદ અરુણભાઈ નીચે પટકાયા હતા. સ્થાનિક લોકો અરુણભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. પતિના મોતના સમાચાર સાંભળીને પત્ની ભાવનાબેન ગાવિતની તબિયત લથડી હતી, તેમને ગભરામણ થવા લાગી હતી અને તેઓ બેહોશ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને હાર્ટએટેક આવ્યો હોવાની જાણ થઈ હતી. એટેકથી હૃદય બેસી જતા ભાવનાબેનનું પણ મોત નિપજ્યુ હતું.

આમ, હસતો રમતો પરિવાર પળવારમાં વિખેરાયો હતો. પતિ પત્નીના એકસાથે અર્થી ઉઠતા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. તો પતિ પત્નીના માોતથી તેમના બે સંતાનો એક ૧૪ વર્ષની પુત્રી તથા ૧૦ વર્ષનો પુત્ર નોંધારા બન્યા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers