Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

G20 Vadodara:જળવાયુ પરિવર્તન અને આપત્તિ જાેખમમાં ઘટાડો – સમતોલ જીવન પ્રવાહ વિષયક શીખર બેઠક યોજાઈ

(માહિતી) વડોદરા, ભારતના નેતૃત્વમાં જી-૨૦ દેશોની આગામી સપ્ટેમ્બરમાં બેઠકો યોજાઇ તે પૂર્વે તેમાં જનભાગીદારી અને ખાસ કરીને યુવાવર્ગના મતને પ્રાધાન્ય મળે એ માટે યોજાતી યુથ-૨૦ની એક મહત્વની સમિટ વડોદરામાં મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીના યજમાન પદ હેઠળ આજે મળી હતી. જળવાયુ પરિવર્તન અને આપત્તિ જાેખમમાં ઘટાડો – સમતોલ જીવન પ્રવાહ વિષયક શીખર બેઠકમાં જળવાયુ પરિવર્તનના વૈશ્વિક પડકારને પહોંચી વળવા માટે યુવાનોને નૃતત્વ લેવા એકસૂરે મત વ્યક્ત કરાયો હતો.

જાણિતા પર્યાવરણ કાર્યકર્તા અને યુનાઇટેડ નેશનના પ્રતિનિધિ એવા સુશ્રી અર્ચના સોરંગે આ શીખર બેઠકમાં જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જની સૌથી વધુ અસર જનજાતિ સમુદાયને થઇ છે. પર્યાવરણના રક્ષક એવા જનજાતિય સમુદાય ક્લાયમેટ ચેન્જની અસર તળે આવી ગયો છે. આપણને સૌને કોઇને કોઇ રીતે આ આપત્તિ અસર કરી રહી છે. હવે આ યોગ્ય સમય છે કે, જીવનજીવવાની પદ્ધતિમાં નાના પરિવર્તન લાવીને પણ તેની અસર ઓછી કરી શકાય છે.

ક્લાયમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા યુવાનોને નેતૃત્વ લેવાનું આહ્વાન કરતા સુશ્રી અર્ચના સોરંગે કહ્યું કે, જાગતિક રીતે આપણે પ્રકૃત્તિના રક્ષણ માટે આપણે પોતાનું સંગઠન ઉભું કરવું પડશે. આ સંગઠનના માધ્યમથી લોકોને વધુમાં વધું જાગૃત કરવા પડશે. વ્યક્તિગત રીતે કાર્બન ફૂટપ્રિન્ટ કેવી રીતે ઘટી શકે ? એ પગલાંઓ વિચારી તેના ઉપર અમલ કરવો પડશે. પ્રકૃત્તિની રક્ષા કરતી નાની નાની બાબતોના સામુહિક અમલથી પણ મોટી અસર ઉભી થાય છે. પ્રકૃત્તિના રક્ષણ માટે પરસ્પર આદર, સન્માન અને સ્નેહ સાથે સમુદાયે કામ કરવાની બાબત ઉપર ભાર મૂકતા સુશ્રી સોરંગે એમ ઉમેર્યું કે, આ જ સમય છે કે આ ગંભીર બાબતમાં યુવાનો નેતૃત્વ લેવા આગળ આવે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયાએ કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જળવાયુ પરિવર્તનની અસર સીમિત કરવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અલાયદો ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો. ગુજરાતના વિકાસમાં પર્યાવરણીય બાબતોના રક્ષણનો ખ્યાલ રાખવામાં આવે છે.

કેન્દ્ર સરકારના યુવા બાબતોના મંત્રાલયના સચિવ શ્રી મિતા રાજીવ લોચને કહ્યું કે, ગાંધીજીએ નેતૃત્વની શરૂઆત ૨૧ વર્ષની ઉમરે કરી હતી. સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ, સુખદેવ જેવા અનેક ઉદાહરણો આપણી સામે છે, જેમને નેતૃત્વની શરૂઆત યુવાકાળથી કરી હતી. ક્લાયમેટ ચેન્જ સહિતની અનેક બાબતો છે, જેમાં યુવાનો નેતૃત્વ કરીને દેશને નવી દિશા આપી શકે છે. આ વેળાએ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજવી પરિવારના શ્રીમતી શુભાંગિનીદેવી ગાયકવાડ, કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

જળવાયુ પરિવર્તન એવો વિષય છે કે, જેનો પ્લાન બી હોઇ ના શકે. આ વૈશ્વિક સમસ્યાને પહોંચી વળવા માટે ભારત સહિતના વિવિધ દેશોએ પોતાની નીતિમાં બદલાવ કરી કાર્બન એમિશન ઘટાડવા માટે પગલાં લીધા છે. સમતોલ વિકાસ સાથે પ્રકૃત્તિના રક્ષણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ભારતમાં એનું ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલું મિશન લાઇન છે.

આ શીખર બેઠકમાં જી-૨૦ સભ્ય એવા ૧૧ દેશ ઉપરાંત કુલ ૬૨ દેશોના ૬૦૦થી વધુ યુવાનો ભાગ લઇ રહ્યા છે. બેઠકના અંતે જે નિષ્કર્ષ નીકળે તેને મુખ્ય બેઠકમાં મોકલવાનો પરંપરા છે. આ વેળાએ યુનિવર્સિટીના પ્રાદ્યાપકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers