Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગાંધીનગરમાં ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ’ વિશેષાંકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

(માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુપાલન ખાતાના સહયોગથી ગોદર્શન ટ્રસ્ટ, ગોંડલ દ્વારા પ્રકાશિત થતા ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ-પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા પ્રતિસંચારિત રોગો’ વિશેષાંકનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. આ વિશેષાંકમાં પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા પ્રતિસંચારિત રોગો જેવા કે હડકવા, ક્ષય, બ્રુસેલ્લોસીસ, લેપ્ટોસ્પાયરોસીસ સંબંધમાં તેનો ફેલાવો, ચિન્હો, અટકાવ, વિશેષ તકેદારી વિગેરેની માહિતીનો સમાવેશ કરવામાં આવેલો છે.

રાજ્યની વિવિધ વેટરીનરી કોલેજાેના પ્રાધ્યાપકશ્રીઓ, પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ સહિતના જે-તે ક્ષેત્રના તજજ્ઞ લેખકો પાસેથી લેખો મેળવીને ખૂબ જહેમતથી આ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કૃષિ-પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ તેમજ ગોદર્શન ટ્રસ્ટના ચેરમેન અને ભુવનેશ્વરી પીઠ ગોંડલના મહંતશ્રી ઘનશ્યામ મહારાજની ઉપસ્થિતીમાં આ વિશેષાંકનું વિમોચન કર્યુ હતું.

‘‘ગોદર્શન ગાઇડ’’ સામાયિક છેલ્લા પાંત્રીસ વર્ષોથી નિયમિત રીતે રાજ્યના પશુપાલકો સમજી શકે તેવી લોકભોગ્ય અને ગુજરાતી ભાષામાં દર મહિને પ્રસિદ્ધ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં ૧૦,૦૦૦ કરતાં વધુ નકલનો ફેલાવો ધરાવતું આ સામયિક હજારો પશુપાલકો સુધી પહોંચે છે. એટલું જ નહિ, નિયમિત માસિક અંક ઉપરાંત સમયાંતરે વિવિધ વિષયને ધ્યાને રાખીને વિશેષ અંક પણ તૈયાર કરવામાં આવે છે.

આ વિશેષાંકના વિમોચન પ્રસંગે પશુપાલન સચિવશ્રી કૌશિક ભિમજિયાણી, પશુપાલન નિયામકશ્રી ડૉ. ફાલ્ગુની ઠાકર તેમજ ‘‘ગોદર્શન ગાઇડ’’ સામાયિકના તંત્રી ડૉ. એન. બી. પ્રજાપતિ સંપાદક અને સંપાદક મંડળના અન્ય સભ્યો પણ સહભાગી થયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers