Western Times News

Gujarati News

દેશમાં કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતાના 23.2% જ્યારે 13.6 ટકા સૌર ઉર્જા સાથે ગુજરાત અગ્રેસર

પ્રતિકાત્મક

અંદાજે 04 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપના  માધ્યમથી સૌર  વીજ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ  રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

વર્ષ 1993-94 માં દેશની પ્રથમ પવન ઊર્જા નીતિ  ગુજરાતમાં અમલમાં આવી હતી. ત્યારબાદ વધુ ચાર પવન ઊર્જા નીતિઓ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત હાલમાં પાંચમી પવન ઊર્જા નીતિ 2016 અમલમાં છે.

આ નીતિ હેઠળ 31 ડિસેમ્બર 2022 સુધીમાં પવન ઊર્જાથી વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા 9712.06 મેગા વોટ છે જેમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને છે તેમ વિધાનસભા ગૃહમાં  અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ દ્વારા પુછાયેલા પ્રશ્નોનો પ્રત્યુતર આપતા ક્લાઇમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. Gujarat leads with 23.2% of the total wind energy installed capacity in the country while 13.6% is solar energy.

મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 9712.06 મેગાવોટ અને સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 8640.20 મેગાવોટ છે. આમ  રાજ્યની પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા દેશની કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતાના 23.2 ટકા છે.

આ જ રીતે રાજ્યની સૌર ઊર્જાની  સ્થાપિત ક્ષમતા દેશની કુલ સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતાના  13.6 ટકા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સૌર અને પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સૌથી વધુ 1600 કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે જે પવન શક્તિનો સૌથી મોટો સ્ત્રોત છે. ગુજરાતમાં પવન ઊર્જામાં કચ્છ જિલ્લો  4906.68 મેગાવોટ સાથે અગ્રેસર છે.

જ્યારે જામનગરમાં 1948 મેગાવોટ, રાજકોટમાં 734, અમરેલીમાં 456, મોરબીમાં 375, સુરેન્દ્રનગરમાં 363, દેવભૂમિ દ્વારકામાં 295, પાટણમાં 208, પોરબંદરમાં 196, ભાવનગરમાં 189 અને બોટાદમાં 38 એમ કુલ  9,712 મેગાવોટથી વધુ પવન ઊર્જા ક્ષમતા ગુજરાત ધરાવે છે.

લિંબાયતના ધારાસભ્ય શ્રી સંગીતા પાટીલ દ્વારા પુછાયેલા પેટા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2009 -10માં શરૂ થયેલી સોલર રૂફટોપ યોજના થકી સૌર વીજ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.

ઘર પર સોલર રૂફટોપ  સ્થાપવામાં માટે વધારાની જમીનની જરૂરિયાત રહેતી નથી તેનાથી ખર્ચ બચે છે તેમજ વીજળી ઉત્પાદનથી બચત થાય છે. આથી વપરાશકાર  અને સરકાર બંનેને ફાયદો થાય છે.આ માટે ગુજરાત સરકારે વર્ષ 2016- 17માં ખાનગી ઘર  પર સોલર રૂફટોપ દ્વારા વીજ  ઉત્પાદન માટે નવી પહેલ કરી છે નીતિ અમલ બનાવી છે.

મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ યોજના હેઠળ 31 ડિસેમ્બર 2022 સુધી કુલ 4.5 લાખ ખાનગી ઘરો પર કુલ 1584 મેગાવોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે

આ યોજના હેઠળ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવા માટે ત્રણ કિલોવોટ સુધી 40% સબસીડી અને ત્રણ કિલો વોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. આ અંતર્ગત ગુજરાતમાં અંદાજે રૂ. 2,539 કરોડથી વધુની સબસીડી ચૂકવવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.