Western Times News

Gujarati News

સરકારના વર્ગ-૩ મા ધો.૧ર પાસને નોકરી નહી મળે

સમયને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય : કોમ્પ્યૂટરનું પ્રાથમિક
જ્ઞાન હોવું પણ જરૂરી

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી અને બીન સચિવાલયમાં કલાર્કની ભરતી માટે તાજેતરમાં લેવાયેલી પરીક્ષા બાદ સરકારે નોકરી મેળવવા માટે કેટલાક નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યાં છે જેમાં હવે સરકારી નોકરી માટે ધો.૧ર પાસ ઉમેદવારો માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને ઉમેદવાર સ્નાતક હોવો ફરજીયાત કરવામાં આવ્યું છે આ ઉપરાંત કોમ્પ્યૂટરનું સામાન્ય જ્ઞાન હોવું પણ જરૂરી છે. રાજય સરકારે લીધેલા આ નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાત પડયા છે.

રાજય સરકારમાં ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે તાજેતરમાં જ બીન સચિવાલય કલાર્કની ભરતી માટે અનેક વિવાદો વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી અગાઉ ઉમેદવારોના માપદંડ નકકી કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને એક વખત પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી હતી જેના પરિણામે ભારે ઉહાપોહ મચ્યો હતો અને તેના ઘેરા પ્રત્યાઘાત રાજયભરમાં પડયા હતાં આ મુદ્દો રાજયભરમાં ખૂબ જ ચર્ચાયો હતો ત્યારબાદ તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી.

રાજય સરકાર સરકારી કર્મચારીઓની ભરતીમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા કરવા માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરતી હતી અને આખરે આ મુદ્દે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે સૌ પ્રથમ વર્ગ-૩ માં ભરતી થનાર કર્મચારીઓને ધો.૧ર પાસ ના બદલે હવે સ્નાતક હોવું ફરજીયાત કરવામાં આવ્યું છે જેના પરિણામે હવે વર્ગ-૩ મા ધો.૧ર પાસ ઉમેદવારોને નોકરી મળી શકશે નહીં જાકે ફિલ્ડ સ્ટાફમાં ધો.૧ર પાસ ઉમેદવારને નોકરી મળી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે સવારથી જ આ મુદ્દો ઉમેદવારોમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે જાકે મોટાભાગના વિદ્યાર્થીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે બીજીબાજુ રાજય સરકારે પણ જણાવ્યું છે કે સમયને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફારો કર્યાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ નોકરી માટે ઉમરની વય મર્યાદા ૩પ વર્ષની નકકી કરવામાં આવી છે. સાથે સાથે વર્તમાન ર૧મી સદીમાં તમામ કાર્યવાહી કોમ્પ્યુટરાઈઝ કરી દેવામાં આવી છે ત્યારે ઉમેદવારોને કોમ્પ્યૂટરનું બેઝીક નોલેજ હોવું જરૂરી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા સરકારી નોકરીમાં ભરતી થનાર ઉમેદવારો માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.