Western Times News

Gujarati News

મહિલાઓએ સફળ ઉદ્યોગસાહસિકો બનવા ગણતરીપૂર્વકના જોખમો લેવાનું શીખવું પડશે – રેખા શર્મા, ચેરપર્સન, NCW

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અગાઉ અને સંસ્થાએ એની કામગીરીના 40માં વર્ષમાં ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે સંસ્થાની કામગીરીની ઉજવણી કરવા EDIIએ 6 માર્ચ, સોમવારે વિમેન ઇન આંતરપ્રિન્યોરશિપ કોન્ક્લેવનું આયોજન કર્યું, જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય મહિલા પંચના ચેરપર્સન શ્રીમતી રેખા શર્માએ કર્યું હતું.

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ 6 માર્ચ, 2023ના રોજ એના કેમ્પસમાં ‘વિમેન ઇન લીડરશિપ કોન્ક્લેવ’નું આયોજન કર્યું હતું. આ કોન્ક્લેવનું ઉદ્ઘટાન ચીફ ગેસ્ટ (મુખ્ય અતિથિ) તરીકે રાષ્ટ્રીય મહિલા પંચ (એનસીડબલ્યુ)ના ચેરપર્સન શ્રીમતી રેખા શર્માએ કર્યું હતું.

આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઑનર, એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સટીઝના સેક્રેટરી જનરલ ડો. પંકજ મિત્તલ, ગુજરાત સરકારના નાણાં વિભાગ (આર્થિક બાબતો)ના પ્રિન્સિપલ સેક્રેટરી સુશ્રી મોના ખંધાર, એચએસબીસી ઇન્ડિયાના કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રોમિત સેન અને ફિક્કી એફએલઓના ચેરપર્સન ડો. રચના ગેમાવત તથા ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા (EDII Director Sunil Shukla) ઉપસ્થિત રહ્યાં હતાં.

મહિલા ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને શિક્ષાવિદો તેમજ વિવિધ ક્ષેત્રોમાંથી નિષ્ણાતોને સંબોધન કરતાં શ્રીમતી રેખા શર્માએ તેમના ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું કે, “સમાજમાં મહિલાઓની સામાજિક અને આર્થિક સ્થિતિને સુધારવા જાગૃતિ લાવવાની જરૂર છે, જેમાં શિક્ષણ, તાલીમ અને સાથસહકાર કે મદદ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનની જરૂર છે.

અમે વધુને વધુ મહિલાઓ આગળ આવે અને તેમની પરંપરાગત ભૂમિકાઓમાંથી બહાર આવે તેમજ તેમની વૃદ્ધિ માટે મુશ્કેલરૂપ અવરોધો દૂર કરે એવું ઇચ્છીએ છીએ. આપણે બધા સર્વસમાવેશક અને સમાન સમાજને જોવા ઇચ્છીએ છીએ. આપણે લાંબા સમયથી પરંપરાગત કામ કરતી મહિલાઓ માટે વધારે અવકાશ ઊભો કરવાની જરૂર છે

અને આપણે ગણતરીપૂર્વકના જોખમો લેવા મહિલાઓને પ્રોત્સાહન આપીને આ હાંસલ કરી શકીએ, તેમને આર્થિક રીતે પગભર બનાવી શકીએ. તેના માટે મહિલાઓને વ્યવસાયિક નેટવર્કિંગ ઊભું કરવા અને સાથીદારે કે સ્પર્ધકોના દબાણ હેઠળ ન આવવાનું શીખવવું પડશે.”

ડો. શુક્લાએ તેમની પ્રારંભિક ટિપ્પણીઓમાં કહ્યું હતું કે, “જ્યારે મહિલાઓને તેમની રચનાત્મકતા અને નવીનતાને ખીલાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે અર્થતંત્ર સંતુલિત વૃદ્ધિ અનુભવી શકે છે. આ જોવું સારી બાબત છે કે, ન્યૂ ઇન્ડિયા નવીન યોજનાઓ અને નેટવર્કિંગની તકો મારફતે મહિલાઓને સફળ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે.

ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત પોતાના વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ મારફતે ઇડીઆઇઆઈ મહિલાઓની માલિકીના ઉદ્યોગસાહસોમાં વધારો કરવા આતુર છે. મહિલાઓ વચ્ચે હાથ ધરવામાં આવેલા વર્ષ 2021-22 માટેના ગ્લોબલ આંતરપ્રિન્યોરશિપ મોનિટર સર્વેમાં જણાવ્યા મુજબ, ઉદ્યોગસાહસિકતામાં સંકળાયેલી પ્રાથમિક તબક્કાની ઉદ્યોગસાહસિકતાલક્ષી કુલ પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારીમાં 12.3 ટકાનો મહત્વપૂર્ણ વધારો થયો છે,

જે પુરુષોમાં 16.3 ટકાનો વધારો છે. હજુ પણ પુરુષ-મહિલા વચ્ચેનો ફરક જોવા મળે છે અને દેશમાં પ્રાથમિક તબક્કાની કુલ ઉદ્યોગસાહસિકતાની પ્રવૃત્તિઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા કામ કરવાની જરૂર છે. મને ખુશી છે કે, મહિલાઓને આગળ લાવવા પ્રોત્સાહન આપવા કેટલાંક પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે.”

Dignitaries at the Women in Leadership Conclave

ગેસ્ટ ઓફ ઑનર, એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝના સેક્રેટરી જનરલ ડો. પંકજ મિત્તલે (Dr. Pankaj Mittal) કહ્યું હતું કે, “મહિલાઓ મોટાં સ્વપ્નો લઈને બહાર નીકળે છે, પરંતુ જેમ જેમ તેઓ ટોચાન મુકામ તરફ આગળ વધે છે, તેમ તેમ તેમની ભાગીદારી અને પ્રતિનિધિત્વમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

સમાજને મહિલાઓને એક જ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિય રાખવાનું બંધ કરવાની પણ જરૂર છે અને તેમને વધારે મોટી, સંપૂર્ણપણે નવી ભૂમિકાઓમાં વધારે ઉત્સાહભેર આવકારવાની જરૂર છે. મહિલાઓને અન્ય મહિલાઓ સાથે જોડાણ કરવાની અને એકબીજાને પ્રોત્સાહન આપવાની જરૂર છે.”

HSBC ઇન્ડિયાના કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી રોમિત સેને (VP Romit Sen) તેમના સંબોધનમાં કહ્યું હતું કે, “મહિલાઓને આગળ લાવવામાં કૌશલ્ય વિકાસે ખરેખર મોટી ભૂમિકા ભજવી છે. મહિલાઓની સાથે સંપૂર્ણ સમાજે પણ આ સમજવાની જરૂર પડશે, જેથી વ્યવસ્થામાં પ્રોત્સાહનજનક પરિવર્તન આવે.

એચએસબીસીનો એચએમઆઇ પ્રોજેક્ટ મહિલાઓને કૌશલ્ય પ્રદાન કરવા અને સક્ષમ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી તેમના માટે સતત આજીવિકા મેળવવાના વિકલ્પો સુનિશ્ચિત થાય.”

ભારત સરકારના નાણાં વિભાગ (આર્થિક બાબતો)ના પ્રિન્સિપલ સેક્રેટરી સુશ્રી મોના ખંધારે (Mona Khandhar) કહ્યું હતું કે, “ગુજરાત એમએસએમઇ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કામગીરી ધરાવે છે અને આ ક્ષેત્રમાં મહિલાઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે. વળી મહિલાઓને ઉદ્યોગસાહસિકો બનવા માટે કેટલીક પ્રોત્સાહક સરકારી યોજનાઓ અને સબસિડીઓ પણ ઉપલબ્ધ છે.

વિવિધ ક્ષેત્રોમાં મહિલા-સંચાલિત સ્ટાર્ટઅપ્સની રચના થઈ રહી છે. મારું માનવું છે કે, ભવિષ્યમાં મહિલાઓ ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં તેમની મજબૂત ઓળખ સ્થાપિત કરશે.”

ફિક્કી એફએલઓ (FICCI FLO) અમદાવાદના ચેરપર્સન ડો. રચના ગેમાવતે (Rachna Gemawat) કહ્યું હતું કે, “આપણે એક સમાજ તરીકે વિવિધ અવરોધો દૂર કરવા અને અનેબલર્સ કે સક્ષમકારની ભૂમિકા ભજવવા તેમને સાથસહકાર આપવાની જરૂર છે. એનાથી અર્થતંત્ર મહત્વપૂર્ણ વૃદ્ધિ તરફ અગ્રેસર થશે.”

ઉદ્ઘાટન પછી મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા માટે ઇકોસિસ્ટમમાં રહેલી સમસ્યાઓની સમજણ મેળવવા તથા આ સમસ્યાઓનું સમાધાન કરવાની રીતો પર ચર્ચા કરવા જાણીતા પેનલિસ્ટો સાથે એક પેનલ ચર્ચા યોજાઈ હતી.

આ કોન્ક્લેવના ભાગરૂપે ઇડીઆઇઆઈએ તાલીમ આપેલી મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા એક પ્રદર્શનનું આયોજન પણ થયું હતું. ઇડીઆઇઆઈના સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી-એબલ્ડ (સીઇડીએ), હેન્ડમેડ ઇન ઇન્ડિયા (એચએમઆઈ) પ્રોજેક્ટ, હસ્તકલા સેતુ યોજના અને સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોંચિંગ એન્ટરપ્રાઇઝીસ (ક્રેડલ) અંતર્ગત મહિલા ઉદ્યોગસાહસિકોએ પ્રદર્શનમાં તેમની કળા અને ઉત્પાદન પ્રદર્શિત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.