Western Times News

Gujarati News

માવઠાથી ઉભા પાકને નુકસાન, ખેડૂતો ચિંતિતઃ વાતાવરણમાં પલટો

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવન સાથે માવઠું-સૌરાષ્ટ્રમાં કરા પડ્યાઃ અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયાઃ અમદાવાદમાં મોડી સાંજે તોફાની પવન સાથે વરસાદ

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે સોમવારે તોફાની પવન ફૂંકાવાની સાથે માવઠંુ થતા કૃષિને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં કરા પણ પડ્યાં છે. જ્યારે અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને ધોધમાર વરસાદનાં કારણે નદીઓમાં નવા પાણીની આવક થઈ છે.

તોફાની પવનનાં કારણે વડોદરા સહિત અનેક સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. જ્યારે કેટલાંક સ્થળો પર વીજળી પડવાની ઘટના પણ નોંધાઈ છે.

ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજે સૌરાષ્ટ્ર, દક્ષિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા અષાઢ મહિના જેવો માહોલ જાેવા મળ્યો હતો. માવઠાના કારણે કેરી અને રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે ધારી, સાવરકુંડલા, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટાના કારણે કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલીના ધારી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મીઠાપુર, દલખાણીયા, કુબડા કોટડા, પાણીયા, ચાંચઈ, ગીગાસણ, ગોવિંદપુર, ફાચરીયા, સરસીયા, જીરાખીસરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધારીના ચાચઈ ગામે ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને ભારે નુકસાનીના દૃશ્યો જાેવા મળ્યા હતા.

ગુજરાતમાં એક તરફ આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ પાટણના શંખેશ્વરમાં આજે બપોરના સમયે કરા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં આજે બપોરના સમયે વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો.

ધાનેરાના બોર્ડર વિસ્તારના બાપલા, વાછોલ, કુંડી સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે રાયડો, ઘઉં, બટાટા અને રાજગરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આજે હોળી હોવાના કારણે મોટાભાગના વિસ્તારમાં હોળી દહનની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ કમોસમી વરસાદ વરસતા લોકોએ હોળીના લાકડા અને છાણા ઢાંકવા પડ્યા હતા. સંઘપ્રદેશ દમણ ઉપરાંત વલસાડ અને ઉમરગામમમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આજે નવસારીના ચીખલી તાલુકામાં, સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં અને કચ્છના આહીર પટ્ટીના ગામોમાં પણ માવઠું થયું છે.

આ જિલ્લામાં ક્યાંક ભારે પવન સાથે અને ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે એલર્ટ કરાતા ખુલ્લામાં પડેલા અનાજનું નુકસાન તો ટાળી શકાયું છે. પરંતુ, ખેતરોમાં ઉભા પાકને માઠી અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.

જેના કારણએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતના વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સુરત વાદળાઓથી ઘેરાયેલું હતું અને બફારો થતો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે વરસાદ આવે તેવી શક્યતા વર્તાઈ રહી હતી અને આખરે બપોર થતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો.

જેથી ખેડૂતોને ઉભા પાકને લઈને ચિંતા સતાવી રહી છે. કેરીના મોર સહિતના ઘઉં, ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ હોળિકા દહન પૂર્વ વરસાદ વરસતા હોળીની તૈયારીમાં વિધ્ન આવવાની સાથે પ્લાસ્ટિકના કવર કે છત્રીથી હોળિને ઢાંકવાની ફરજ પડી હતી.

અંકલેશ્વર પંથકમાં હોળીના દિવસે વાતાવરણમાં પલટા વચ્ચે વાવાઝોડા સાથે પવન ફુંકાતા ઠેર-ઠેર વંટોળીયા જેવા દૃશ્યો જાેવા મળ્યા હતા. મહત્તમ તાપમાન નીચે સરકતા ગરમીમાં આંશિક રાહત વચ્ચે ચાલીસથી પચાસ કિ.મિ.ની ઝડપે પવન ફુંકાયો હતો.

શહેરમાં ફુંકાયેલા વાવાઝોડાની સાથે આકાશમાં વાદળો સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. તેમજ ઠેર-ઠેર પાંદડા, કચરા વગેરેની ડમરી ઉડી હતી. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો ઉપરાંત દુકાનદારોએ પણ હાલાકી અનુભવી હતી.

ભારે પવનની સાથે અમુક વિસ્તારમાં વરસાદ પણ વરસતા મહત્તમ તાપમાન પણ ઘટતા લોકોએ ગરમીથી આંશિક રાહતનો અહેસાસ કર્યો હતો.જ્યારે ભારે પવનના કારણેવીજ પુરવઠો પણ ખોરવાયો હતો.જયારે કેટલાય સ્થળોએ સંચાલકો દ્વારા તૈયાર કરેલી હોળી સાચવવા માટે દોડધામ મચી ગઇ હતી.

પલટાયેલા વાતાવરણના કારણે નડિયાદમાં સોમવારની સાંજે ભારે પવન ફૂંકાયો હતો.જેના કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ખાસ કરીને એક બાજુ હોળીની તૈયારીઓ ચાલતી હતી આ વેળાએ જ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.