Western Times News

Gujarati News

કેસુડાના 65 હજાર વૃક્ષોથી સમૃધ્ધ અમુલ્ય વન્ય વારસાને માણવાનો અનોખો અવસર

ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી કેસુડા ટુરનો થયેલો પ્રારંભ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને વન્ય સંપદાઓની અનૂભૂતિ કરાવતી કેસુડા ટૂર

કેસુડાના ૬૫,૦૦૦ વૃક્ષોથી સમૃધ્ધ વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલા અમુલ્ય વન્ય વારસાને માણવાનો અનોખો અવસર

દેશના દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે. જેના થકી નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશા પર અંકિત થયું છે.

અત્યાર સુધી દેશ-વિદેશના મળીને ૧ કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. વિંદ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓમાંથી પસાર થતી નર્મદા નદીના તટે વસેલું એકતાનગર અને તેની આસપાસનો વિસ્તાર કેસુડાના અંદાજીત ૬૫,૦૦૦ વૃક્ષોથી સમૃધ્ધ છે.

વસંત ઋતુના આગમન સાથે જ કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, માટે જ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો આજે તારીખ ૭મી માર્ચને મંગળવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસથી જ કેસુડા ટૂર માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમનની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુમાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેશરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. આ સમયગાળા દરમિયાન વન વિસ્તારોનું વાતવરણ જાણે સોળેકળાએ ખીલી ઉઠે છે. કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું સામાન્ય તેમ છતાં અતિ મહત્વનું વૃક્ષ છે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ આપણે ત્યાં ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે.

એક વિદ્યાર્થી તરીકે કેસુડા વિશે વિશેષ જાણવાની તક મળી તે મારા માટે ખૂબ જ મહત્વની બાબત બની રહી છે- પ્રવાસી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી શરૂ થયેલી કેસુડા ટૂરના પ્રથમ દિવસે વડનગરથી SOUના પ્રવાસે આવેલા પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ ટૂરમાં સામેલ પ્રજ્ઞાબેન પટેલે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાનું અમે જ્યારે આયોજન કરી રહ્યા હતા ત્યારે અમને ખબર પડી કે અહીં કેસુડા ટૂર પણ થાય છે.

તો અમારા સમગ્ર ગ્રુપે તેની ટિકિટ બુક કરાવી હતી. કેસુડા વિશે જે નહોતા જાણતા તે બાબતો અમને અંહીથી જાણવા મળી છે. આ કેસુડા ટૂર કરીને અમે ખૂબ ખુશ છીએ. એક વિદ્યાર્થી તરીકે કેસુડા વિશે વિશેષ જાણવાની તક મળી તે મારા માટે ખૂબ જ મહત્વની બાબત બની રહી છે.

પ્રથમ દિવસે જ બુકિંગ કરાવી પ્રથમ રાઈડનો અનોખો આનંદ માણ્યો- પ્રવાસી

વધુ એક પ્રવાસી કાંતિભાઈ પટેલે પોતાના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પહેલાં ઓનલાઈન ટીકિટ બુક કરાવતા અમને માહિતી મળી કે અહીં કેસુટા ટૂર પણ થાય છે. જેથી અમે ટૂર શરૂ થવાના પ્રથમ દિવસે જ બુકિંગ કરાવી પ્રથમ રાઈડમાં સામેલ થવાનું સદભાગ્ય મળ્યું જે ખરેખર અનોખો આનંદ અપાવે છે.

ગાઈડ દ્વારા અમને કેસૂડા વિશેની ખૂબ સરસ માહિતી આપવામાં આવી જેમકે આપણા વેદોમાં જે ચિકિત્સા પદ્ધતિ લખાયેલી છે તેમાં કેસુડાનો કયા કયા રોગો સામે રક્ષણ માટે ઉપયોગ કરી શકાય તેની અમને જાણકારી આપવામાં આવી. આ ટુર ખરેખર અમારા માટે યાદગાર બની ગઈ છે.

કેસૂડા ટૂરમાં સામેલ થઈ ધન્યતા અનુભવી- પ્રવાસી

અન્ય એક પ્રવાસી રૂચિ પટેલે જણાવ્યું કે, જાપાનમાં ચેરી બ્લોસમ ફેસ્ટીવલ ખૂબ જ પ્રખ્યાત છે. તેવીજ રીતે આપણા દેશમાં પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ફ્લેમ ઓફ ફોરેસ્ટ જેને આપણે કેસુડો કહીએ છીએ. જેના અમે આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરવા સાથે કેસૂડા ટૂરમાં સામેલ થઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છીએ. માત્ર પ્રવાસ નહીં પણ કેસૂડા વિશેની ઉંડાણ પૂર્વકની જાણકારી પણ અમને અહીંથી જાણવા મળી છે.

કેસુડા ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. પ્રવાસીઓ પ્રકૃતિની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલા અમુલ્ય વન્ય વારસાને પણ માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે.

પ્રવાસીઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેકિંગ પણ કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની મુલાકાત પણ કરાવવામાં આવશે.

કેસુડા ટૂરમાં પ્રથમ દિવસે ગાઈડ હાર્દિક જાનીએ કેસુડાનું આયુર્વેદમાં મહત્વ અને તેના ઉપયોગો અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. આ ટુર દરમિયાન વનવિભાગમાંથી દિપકભાઈ વસાવાએ સાથે રહી જરૂરી સહયોગ પુરો પાડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.