Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળીની ભવ્ય ઉજવણી કરાઈ

પ્રતિનિધિ.મોડાસા, મોડાસામાં આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. આજ આ વૈદિક હોળીમાં નવયુગલો ધ્વારા પૂજન વિધિથી શુભારંભ કરવામાં આવ્યો. અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે સાત વાગે પ્રાગટ્ય કરવામાં આવી. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાઈ. ઉપસ્થિત સૌએ પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી. આ તમામ માનવ મહેરામણ આ વૈદિક હોળીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી.

આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણાંમાંથી બનાવેલ ગૌ કાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણાં-ઓરાયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો ,બીલી જેવાં વૃક્ષોની સમિધાઓ, સાત પ્રકારના ધાન્ય, ગુગળ , ઈલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળો તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે ઉત્સાહભેર આ વિશેષ વૈદિક હોળીનું આયોજન હાથ ધરેલ છે. જે છઠ્ઠી માર્ચ સોમવારે સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર સામેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું. આપણી સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરી સૌને પવિત્ર હોળીના મહત્વની પ્રેરણા મલી શકે તેવી પવિત્ર ભાવનાથી આ વૈદિક હોળી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers