Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાષ્ટ્રીય પ્રજાસત્તાક પરેડમાં ભાગ લઈ આવેલા NSSના ૧૦ તેજસ્વી યુવા સ્વયંસેવકોની રાજ્યપાલ સાથે મુલાકાત

યુવાપેઢીનું નિર્માણ જ રાષ્ટ્રનું નિર્માણ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાતના રાષ્ટ્રીય સેવા યોજના-એન.એસ.એસ.ના તેજસ્વી યુવા સ્વયંસેવકોને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, યુવાપેઢીનું નિર્માણ જ રાષ્ટ્રનું નિર્માણ છે. એન.એસ.એસ.ના યુવા સ્વયંસેવકો અન્ય છાત્રો માટે પ્રેરણા બને.

ગુજરાતની ૬૨ યુનિવર્સિટીઓની સંલગ્ન કોલેજો અને જિલ્લાઓની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બે લાખથી વધુ યુવા સ્વયંસેવકો રાષ્ટ્રીય સેવા યોજના-એન.એસ.એસ. અંતર્ગત અભ્યાસની સાથેસાથે સમાજ સેવા કરી રહ્યા છે.10 brilliant youth volunteers of NSS who participated in the National Republic Parade met with the Governor

ગુજરાતના ૧૦ યુવા સ્વયંસેવકો નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડ અને એક મહિનાની શિબિર માટે પસંદગી પામ્યા હતા. આ ૧૦ યુવા સ્વયંસેવકો આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મળ્યા હતા. રાજ્યપાલ શ્રી એ તેમને તેમના માતા, પિતા અને ગુરુજનોને અભિનંદન આપ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અભ્યાસની સાથેસાથે વિદ્યાર્થીઓમાં સમાજની સેવા કરવાના ગુણો વિકસે એ અત્યંત જરૂરી છે. એન.એસ.એસ.ના સ્વયંસેવકોને આ વર્ષે પાણી બચાવવા અને વૃક્ષારોપણ માટે વિશેષ પ્રયત્નો કરવા તેમણે અનુરોધ કર્યો હતો

અને કહ્યું હતું કે, ગ્લોબલ વૉર્મિંગ જેવી વિકટ સમસ્યા સામે પર્યાવરણ જાળવણી માટે ખાસ ઝુંબેશની જરૂર છે. ગ્રામીણ વિસ્તારોમાં તળાવ-સરોવરની ચોમેર મોટા પાયે વૃક્ષારોપણ કરવા તેમણે યુવાનોને આહ્વાન કર્યું હતું. યુવાનો પોતાના ખાનપાનમાં સ્વાસ્થ્યને વિશેષ મહત્વ આપે, ફાસ્ટફૂડ અને વ્યસનોથી દૂર રહે તેઓ પણ તેમણે અનુરોધ કર્યો હતો.

આ મુલાકાત વેળાએ ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી પી. બી. પંડ્યા, સંયુક્ત કમિશનર શ્રી નારાયણભાઈ માધુ, રાજ્ય એન.એસ.એસ. અધિકારી શ્રી આર. આર. પટેલ, ડાયરેક્ટર શ્રી ગિરધર ઉપાધ્યાય, શ્રેયાન અધિક્ષક શ્રી ચેતનભાઇ પટેલ, શ્રી દેવાંગ પંડ્યા, શ્રીમતી રીટાબેન ડિ’સોઝા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers