Western Times News

Gujarati News

પહેલીવાર ગુજરાતથી કેસર કેરી સીધી USના બજારોમાં પહોંચશે

ખેડૂતો અને નિકાસકારોને થશે ફાયદો

ગુજરાતની કેસર કેરીની ગુણવત્તા USમાં મળતી મેક્સિન કેરી કરતાં વધુ સારી હોવાથી માગ વધારે છે

અમદાવાદ, ગુજરાતની કેસર કેરીનો સ્વાદ હવે યુએસમાં રહેતા લોકો મન ભરીને માણી શકશે. આ વર્ષે પહેલીવાર કેસર કેરી ગુજરાતથી સીધી યુએસ એક્સપોર્ટ થશે. યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર્સ એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસએ ગત વર્ષે જુલાઈમાં જ ગુજરાતમાં એગ્રો રેડિયેશન પ્રોસેસને મંજૂરી આપી હતી. Saffron mangoes from Gujarat will reach US markets directly

જેથી હવે ખેડૂતો અને એક્સપોર્ટરો યુએસમાં નિકાસ વધારી શકશે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડએ બાવળામાં રેડિયેશન પ્રક્રિયા માટેની સુવિધા ઊભી કરી છે. અત્યાર સુધી ગુજરાતની કેસર અને હાફૂસ કેરી મહારાષ્ટ્રથી નિકાસ કરવામાં આવતી હતી.

GAICના એક સિનિયર અધિકારીએ કહ્યું,USDA-APHISએ ગત વર્ષે જુલાઈ મહિનામાં બાવળામાં રેડિયેશન પ્રોસેસિંગના પ્લાન્ટને મંજૂરી આપી હતી. હવે શરૂ થનારી કેરીની સીઝનમાં પહેલીવાર ગુજરાતથી જ કેસર કેરી યુએસના બજારોમાં પહોંચશે. હાલ ગુજરાતની કેસર કેરી મહારાષ્ટ્રથી યુએસ એક્સપોર્ટ થતી હતી જેના કારણે લોજિસ્ટિકનો ખર્ચ વધી જતો હતો. અમારી સુવિધા ૨૦૧૪માં જ તૈયાર થઈ ગઈ હતી પરંતુ મંજૂરી મળવામાં વિલંબ થયો હતો.

જાે હવામાન સારું રહ્યું તો એપ્રિલના મધ્યથી જૂન સુધી યુએસમાં સીધી જ ૪૦૦ ટન કેરીઓની નિકાસ કરી શકીશું. એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્‌સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે ભારતમાંથી યુએસમાં ૩૩.૬૮ કરોડ રૂપિયાની ૮૧૩ ટન કેરીની નિકાસ થઈ હતી. GCCIના ફૂડ કમિટીના પૂર્વ ચેરમેન હિરેન ગાંધીએ કહ્યું, યુએસના નિયમો પ્રમાણે કેરી સહિતના ખાદ્યપદાર્થો પર ઈરેડિયેશન પ્રક્રિયા થવી જાેઈએ.

ઈરેડિયેશન પ્રક્રિયાના કારણે ફળોમાં રહેલા જીવાણુઓનો નાશ થાય છે. ઈરેડિયેશન પ્લાન્ટની સુવિધાના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુજરાતના ખેડૂતોને પોતાના પાકનો સારો ભાવ મળશે. કેરી માટે યુએસ ખૂબ મોટું માર્કેટ છે અને ગુણવત્તાયુક્ત કેસર કેરીની સારી માગ જાેવા મળે છે. ઈરેડિયેશન પ્લાન્ટ શરૂ થતાં ગુજરાતમાંથી કેસર કેરી સીધી ઓસ્ટ્રેલિયા એક્સપોર્ટ કરવાનો માર્ગ પણ ખુલશે.

ઈરેડિયેશનના કારણે કેરીની સંગ્રહ ક્ષમતા ૨૫ દિવસ સુધી વધી જશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એગ્રિકલ્ચર કમિટીના ચેરમેન આશિષ ગરુએ કહ્યું, ગુજરાત કેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે. આપણી કેરીઓની ગુણવત્તા યુએસમાં વેચાતી મેક્સિન કેરીઓ કરતાં ખૂબ સારી છે. અગાઉ ગુજરાતથી સીધી રીતે યુએસમાં કેરીની નિકાસ કરવી મુશ્કેલ હતી પરંતુ હવે ઈરેડિયશન પ્લાન્ટની સુવિધા પછી ગુજરાતના નિકાસકારો કેરીઓ યુએસ મોકલી શકશે. ઉત્તમ ગુણવત્તાના કારણે ખૂબ સારી કમાણી પણ કરી શકશે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.