Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારમાં ૮ આતંકીઓ ઠાર

ઇસ્લામાબાદ, પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતીના આધારે આઠ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જાે કે આ ઓપરેશન દરમિયાન ક્રોસ ફાયરમાં ફસાયેલા બે બાળકો પણ માર્યા ગયા હતા.

પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના ઝંગારા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે સુરક્ષાદળોએ એક ઓપરેશન દરમિયાન આતંકીઓને ઠાર કર્યા હતા.

આ કાર્યવાહીમાં બે બાળકોના મોત થયા હતા, જ્યારે બે જવાન પણ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં આતંકી હુમલામાં વધારો થયા બાદ સરકારે આતંકીઓ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે. ગયા અઠવાડિયે, ગુપ્ત માહિતીના આધારે, અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના દત્તા વિસ્તારમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આતંકીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળોએ છેલ્લા ત્રણ મહિનામાં ૬,૯૨૧ ઓપરેશનમાં ૧૫૦થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે અને ૧,૦૦૭ આતંકીઓની ધરપકડ કરી છે.

ઓસ્ટ્રેલિયા સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં દક્ષિણ એશિયામાં સૌથી વધુ આતંકવાદી હુમલાઓ અને મૃત્યુના મામલે અફઘાનિસ્તાનને પાછળ છોડી દીધું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી ઘટનાઓમાં વધારાને કારણે પાકિસ્તાન આ ઈન્ડેક્સમાં ચાર સ્થાન ઉપર ચઢીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ અનુસાર, પાકિસ્તાને આતંકવાદી ઘટનાઓથી સંબંધિત મૃત્યુમાં બીજા નંબરનો સૌથી મોટો ઉછાળો નોંધ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં મૃત્યુઆંક વધીને ૬૪૩ થયો છે. આ છેલ્લા દાયકાની સરખામણીમાં સૌથી વધુ છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદ સંબંધિત પીડિતોમાં ઓછામાં ઓછા ૫૫ ટકા લશ્કરી કર્મચારીઓ હતા. પાકિસ્તાનમાં મોટાભાગના આતંકવાદી હુમલાઓ અફઘાનિસ્તાનને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં થયા છે. ૬૩ ટકા હુમલા અને ૭૪ ટકા મૃત્યુ આ વિસ્તારમાં થયા છે.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers