Western Times News

Gujarati News

મારી ધરપકડ ટાળવા ૭.૪ કરોડ સમર્થકો અરજી કરે, આગામી પ્રમુખપદની ચૂંટણી માટે ૩,૩૦૦ ડોલર દાન આપે: ટ્રમ્પ

વોશિગ્ટન, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૪ની પ્રમુખપદની ચૂંટણીમાં કૂદાવ્યું છે ત્યારે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ૧.૩૦ લાખ ડોલર ચૂકવવાની તપાસમાં મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને મેનહટ્ટન જિલ્લા એટર્નીની ઓફિસમાંથી ગુપ્ત માહિતી મળી છે કે તેમની ધરપકડ કરાશે, પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે આરોપો શું હશે.

ટ્રમ્પ વિરુદ્ધ ૨૦૧૬ના ચૂંટણી અભિયાનમાં અનિયમિત ચૂકવણી કેસની સુનાવણી ચાલી રહી છે, જેમાં તેમને દોષિત કરાવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

જાેકે, આ કેસમાં કોર્ટ જ્યૂરીનો ચૂકાદો આવવાનો હજુ બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે તો ગૂનાઈત આરોપોનો સામનો કરનારા તે પહેલાં અમેરિકન પ્રમુખ બનશે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે ધરપકડ સમયે ટ્રમ્પ મોટાપાયે વિરોધ પ્રદર્શનોનું આહ્વાન કરશે તો પરિસ્થિતિ બેકાબૂ થઈ શકે છે. વધુમાં ન્યૂયોર્કની મેનહટન કોર્ટમાં ભારે સુરક્ષા બેરીકેડિંગ કરી દેવાયા છે.

ટ્રમ્પની સંભવિત ધરપકડના વિરોધમાં અને સમર્થનમાં સોમવારે સાંજથી જ પૂર્વ અમેરિકન પ્રમુખના ટેકેદારો તથા તેના વિરોધીઓ સામ-સામે રસ્તા પર આવી ગયા છે.

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે તેના સમર્થકોને એક ઈમેલ મોકલીને કહ્યું છે કે શક્ય છે કે મારા તરફથી લખેલો આ અંતિમ પત્ર હોય. સમર્થન આપવા બદલ તમારો આભાર. આ લડાઈમાં આપણો વિજય થશે અને આપણે ફરીથી વ્હાઈટ હાઉસ જીતીશું.

આ સાથે ટ્રમ્પે તેની સંભવિત ધરપકડ વિરુદ્ધ તેના ૭.૪ કરોડ સમર્થકોને અરજી કરવા જણાવ્યું છે. એટલું જ નહીં આ અરજીમાં જાેડાનારા સમર્થકો ૨૦૨૪ની પ્રમુખપદની ચૂંટણી માટે ૩,૩૦૦ ડોલરનું દાન આપવા પણ વિનંતી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈચ્છે છે કે તેમની ધરપકડ થાય, જેથી ૨૦૨૪ની પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ રિપબ્લિકન પક્ષના સમર્થકોનો ટેકો મેળવી શકે. હાલ ટ્રમ્પને સમર્થન આપવા મુદ્દે રિપબ્લિકનમાં જ મતભેદો ચાલી રહ્યા છે.

હકીકતમાં વર્ષ ૨૦૧૬માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયર્સે મીડિયા સામે આવીને કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૬માં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની વચ્ચે અફેર હતો. તેની જાણ ટ્રમ્પની ટીમને થઈ ગઈ અને તેમણે વકીલ માઈકલ કોહેનને સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ કરવા માટે ૧.૩૦ લાખ ડોલરની ચૂકવણી કરી હતી. ડેનિયલ્સને કરાયેલી નાણાંની ચૂકવણી ગેરકાયદે નહોતી, પરંતુ ટ્રમ્પના વકીલ કોહેને આ રકમ ગુપચૂપ રીતે ડેનિયલ્સને આપી હતી.

ડેનિયલ્સને કરાયેલી ચૂકવણીને એવી રીતે દર્શાવાઈ હતી કે ટ્રમ્પની એક કંપની તરફથી આ ચૂકવણી એક વકીલને કરાઈ હતી. ટ્રમ્પ ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન અમેરિકનપ્રમુખ હતા તે સમયે આ કેસની તપાસ શરૂ થઈ હતી. વકીલોનું કહેવું છે કે ટ્રમ્પે વ્યાવસાયિક રેકોર્ડ ખોટી રીતે રજૂ કર્યા હતા, જે ગૂનો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.