ચેતતો નર સદા સુખી
આ જગતમાં વિશ્વાસ એના પર મૂકવો જાેઈએ જેના પર વિશ્વાસ મૂક્યા પછી તમારો શ્વાસ ઉંચો ન રહે. જ્યારે એક અજાણી વ્યકિત બીજી વ્યક્તિ જાેડે દગો કરે ત્યારે એ માનવી હતાશ બની જાય છે. પરંતુ જ્યારે કોઈ સંબંધિત વ્યકિત પોતાની જ ઓળખીતી વ્યકિતની જાેડે દગલબાજી કરે ત્યારે જિંદગીભરનો સંબંધ તૂટી જાય છે. લોકોના અરસપરસ સંબંધોથી સમાજ બનેલો હોય છે. સમાજમાં લોકોના એકબીજાનાં પર વિશ્વાસ પર સમાજ ટકેલો રહે છે. પરંતુ જ્યારે માનવી એકબીજાની જાેડે વચનભંગ કરે અને વિશ્વાસ રૂપી લક્ષ્મણ રેખાને ઓળંગીને વિશ્વાસભંગ કરે ત્યારે તેને સંસાર અસાર લાગે છે અને એ વિશ્વાસઘાત માનવી સમાજમાં હલકો ગણાય છે. વિશ્વાસઘાત અનુભવતા તે વ્યકિત પર જાણે પહાડ તૂટી પડ્યો ન હોય તેવું લાગે અને તેને ભારે આઘાત લાગે છે.
ધંધાકિય પ્રવૃતિઓમાં ભાગીદારોએ એકબીજા પર પૂરેપૂરો વિશ્વાસ સંપાદન કરેલો હોય છે અને ધંધો પૂરબહારમાં ધીકતો ચાલતો હોય પરંતુ કોઈક વખત એક ભાગીદાર બીજા ભાગીદાર જાેડે પોતાના સ્વાર્થ ખાતર બીજા ભાગીદારનું અહિત કરી વિશ્વાસ ભંગ કરે ત્યારે તે ધંધા પર ઘણી ખરાબ અસર થયા વિના રહેતી નથી અને તે ભાગીદારના મન તથા શરીર પર પણ ખરાબ અસર થાય છે. અલબત્ત લોહીની સગાઈ હોય ત્યાં પણ કોઈક કોઈક પરિવારોમાં બાપ – દીકરો હોય કે ભાઈ – ભાઈ હોય પરંતુ કોઈ મતલબથી કે પોતાની સ્વાર્થવૃતિથી એકબીજા પર વિશ્વાસ ભંગ કરતા અચકાતા નથી અને એ પરિવારોમાં વિખવાદ ઉભો થાય,છે અને ત્યારે સંસારમાંથી રસ ઉડી જાય છે અને એકબીજા જાેડે બોલવાનો પણ સંબંધ રહેતો નથી.
કોઈને વિશ્વાસમાં લઈને તેની જાેડે દગો કરવો તે કક્ષા અધમાધમ કક્ષા જ કહેવાય અને તેવી વ્યક્તિઓનો સમાજમાંથી બહિષ્કાર કરવો જાેઈએ તથા તેવા ગુનેગારોને આકરામાં આકરી સજા કરવી જાેઈએ જેથી બીજી વખત કોઈનો વિશ્વાસઘાત કરવાની જિંદગીમાં ખો ભૂલી જાય ને આ જાેઈ બીજા લોકો વિશ્વાસઘાત કરતા પ્રેરાય નહિ.
વિશ્વાસઘાત એ એક છેતરપીંડી જ કહેવાય. જર, જમીન, મિલ્કત, પૈસો, પ્રેમ, સ્વાર્થ અને મતલબ જ માનવીને વિશ્વાસઘાતક બનવા પ્રેરે છે. રાજકારણ, વેપાર, રમતગમતના ક્ષેત્રોમાં આજકાલ છેતરપીંડી કરવી તથા દગલબાજી કરવી એ ખોટું નથી એવું અમુક લોકો માને છે અને તે મનની મેલી મુરાદથી બીજી વ્યક્તિને પોતાના સ્વાર્થ ખાતર દગો કરવા તૈયાર થઈ જાય છે.
આ આધુનિક જમાનામાં સમાજ તથા વેપારમાં વિશ્વાસઘાતનાં બનાવો વધતા જાય છે. આજકાલ અખબારનાં પાના ખોલીને વાંચતા વિશ્વાસઘાતનાં સમાચારો જ વધારે પડતાં ચિતરાયેલાં જ દેખાય છે ચાર ફેરા ફરી એક બની ગયેલા દંપતીનો સંસાર વિશ્વાસ પર ચાલે, એકબીજા પર વિશ્વાસ મૂકી સંસાર ચક્ર ચલાવે છે પરંતુ કોઈક કોઈક ઐવા દાખલા જાેવા મળે કે પતિ પરસ્ત્રી અથવા પત્નિ પરપુરુષ જાેડે નાતો બાંધતા વિશ્વાસભંગ થતા સંસારમાં ભંગાણ પડે છે. કોઈની થાપણ દબાવી દેવી, કોઈની મિલ્કત પચાવી પાડવી, ધંધામાં ગેરરીતિઓ અજમાવવી જેવી કે વજન તથા માપમાં માલ ઓછો આપવો, માલ ફેરબદલી કરી પધરાવી દેવો તથા નુકશાની માલ સારા માલમાં ખપાવી દેવો તથા ભાવમાં ફાયદો ઉઠાવી લેવો આ બધી ગેરરીતિઓ વેપારી પોતાના સ્વાર્થ ખાતર ગ્રાહકો જાેડે દગો કરે છે ત્યારે એ વિશ્વાસભંગ કર્યો કહેવાય છે.
જીવનમાં નીતિ અપનાવવાથી પોતે સુખી થાય છે તથા લોકોમાં પ્રિય થઈ પડે છે. વિશ્વાસઘાતનો ભોગ બનેલી વ્યક્તિ પર ઘણી વિતે છે અને મોટો ફટકો પડતા કોઈક વખત આત્મહત્યા કરવા સુધી પ્રેરાય છે. વિશ્વાસઘાત એક અનીતિનો માર્ગ છે જે રાહ અપનાવતા ભવિષ્યમાં તે વિશ્વાસઘાતી વ્યક્તિ જ હેરાન થાય છે તથા તે ભવોભવ કર્મો ભોગવતો રહે છે. મા-બાપ બાળકોને બાળપણથી જ સારા સંસ્કાર સિંચે તો આવા બનાવો બનતા ઓછા થઈ જાય. બીજાને દગો દેનાર વ્યક્તિ પોતાના આત્માને જ દગો દેતો હોય છે અને ભવિષ્યમાં એ દગાખોરનો કોઈ એક ટકો પણ વિશ્વાસ કરતું નથી. ક્યારે પણ કોઈનો વિશ્વાસ તોડી નાખવાનું હિતકારી કૃત્ય કરવું ન જાેઈએ.