Western Times News

Gujarati News

બંદૂકના જોરે ગુરૂદ્વારામાંથી જમવાનું અને કપડા માગી ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ ફરાર

ચંડીગઢ, ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પંજાબ પોલીસની પકડમાંથી બહાર છે. તેની સામે ચાલી રમહેલા ઓપરેશનનો આજે ૫મો દિવસ છે. આ દરમિયાન તેના વિશે નવી માહિતી સામે આવી છે. તે ક્યાં રોકાયો, ત્યાં શું કર્યું અને કેવી રીતે ભાગી ગયો, આ અંગે અલગ-અલગ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હવે તે પોલીસને ચકમો આપવા માટે રાત્રે જ મુસાફરી કરતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે તે દરરોજ તેની મોટરસાઇકલ અને તેનો દેખાવ પણ બદલે છે.

૧૮ માર્ચથી ફરાર અમૃતપાલે જાલંધર પાસેના ગુરુદ્વારામાં બંદૂકની અણી પર લોકો પાસેથી ખોરાક અને કપડાંની માંગણી કરી હતી. આ પછી તે ત્યાંથી ભાગી ગયો હતો. તે પોતાના સાથીઓ સાથે ગુરુદ્વારા ગયો અને થોડો સમય ત્યાં રહ્યો. અહીં તેણે પોતાના શીખ વસ્ત્રો ઉતારી લીધા અને શર્ટ-પેન્ટ પહેરી લીધા હતા આ સાથે તેણે ગુલાબી રંગની પાઘડી બાંધી હતી. તે પાઘડી ગુરુદ્વારાના ગ્રંથીના પુત્રની હતી.

પોલીસ સૂત્રોએ માહિતી આપી હતી કે, અમૃતપાલે અહીં ગ્રંથીના ફોનનો ઉપયોગ કર્યો હતો અને હરિયાણાના રેવાડીમાં કોઈને ફોન કર્યો હતો. આ સાથે તેણે અન્ય લોકોને પણ બોલાવીને ૨ બાઇક લાવવા કહ્યું હતું.

ગ્રંથીના પુત્રના લગ્ન હતા અને તે મહેમાનોની રાહ જાેતો હતો. ત્યારે જ અમૃતપાલ ગુરુદ્વારા પહોંચી ગયો હતો. તેણે અમૃતપાલ અને તેના સાથીઓને મહેમાન માનીને તેમને ગુરુદ્વારામાં પ્રવેશવાની મંજૂરી આપી. આ લોકોએ તેના પરિવારના સભ્યોને પણ બંદૂકની અણી પર ધમકી આપી હતી.

પોલીસ હવે ગ્રંથીના ફોનની તપાસ કરી રહી છે. તેણે બ્રેઝા કાર ગુરુદ્વારાથી ૧૦૦ મીટરના અંતરે પાર્ક કરી હતી. ત્યાંથી પોલીસે રાઈફલ અને કેટલીક તલવારો મળી હતી. આના પર પોલીસે શાહકોટ પોલીસ સ્ટેશનમાં અમૃતપાલ અને તેના ૪ સહયોગીઓ વિરુદ્ધ નવી એફઆઇઆર નોંધી છે.

પંજાબ પોલીસે તેના પર નેશનલ સિક્યોરિટી એક્ટ લાગુ કર્યો છે અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ સાથે લુકઆઉટ સર્ક્‌યુલર પણ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, એરપોર્ટ પર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેથી તે ક્યાંય ભાગી ન જાય.

‘વારિસ પંજાબ દે’ અને ખાલિસ્તાની સમર્થકો સામે કાર્યવાહી કરતી વખતે પોલીસે અત્યાર સુધીમાં ૧૫૪ લોકોની ધરપકડ કરી છે. પોલીસે વારિસ પંજાબ ડેના ચીફ અમૃતપાલની ૭ તસવીરો પણ જાહેર કરી છે, જેથી લોકો જાણી શકે કે તે પોતાનો દેખાવ કેવી રીતે બદલી શકે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.