Western Times News

Gujarati News

‘કલાપૂર્ણમ્’ દ્વારા રાજ-પરિવારને ‘શાસનરત્ન’ એવોર્ડ

મહારાષ્ટ્રના દેવલાલી મુકામે ફેબ્રુઆરી-૨૩માં ગચ્છાધિપતિ આ. શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં આયોજિત વિશિષ્ટ પ્રતિષ્ઠા-મહોત્સવ દરમિયાન, જૈન શાસન માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપતી ભારતભરમાંથી દસ સંસ્થાઓનું અભિવાદન – સન્માન કરવામાં આવ્યું હતું. એમાં સૌથી ઉત્કૃષ્ટ શાસનસેવા કરવા માટે રાજ-પરિવારનું સૌપ્રથમ સન્માન થયું હતું.

આચાર્યશ્રી રાજપરમસૂરિજી મહારાજના માર્ગદર્શનથી કાર્યરત રાજ-પરિવાર તરફથી સંસ્થાના મુખ્ય કાર્યકર્તાઓ સર્વશ્રી ઘેવરજી ઘોડા, મહેન્દ્રભાઈ ગાંધી, અશોકભાઈ વેદમુથા, નરેશભાઈ મુણોદ, ચિંતનભાઈ વોરા, અમિતભાઈ વગેરેએ અભિવાદન તથા શાસનરત્ન એવોર્ડ સ્વીકાર્યાં હતાં.

શ્રી સમેતશિખરજી તીર્થમાં, સરાક બંધુઓના સાંનિધ્યમાં, કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે અંતિમ શ્વાસ લેતી વખતે સરાક ઉત્કર્ષ અભિયાનની ભાવના વ્યક્ત કરી હતી.

ત્યારબાદ એમના શિષ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને જીવદયામહર્ષિ આદરણીય કુમારપાળભાઈ વી. શાહના માર્ગદર્શન મુજબ ‘રાજ-પરિવાર’ સરાકબંધુઓના સામાજિક વિકાસ અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સક્રિય પુરુષાર્થ કરી રહ્યો છે. આજે તો માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ રાજ-પરિવારની વિરલ અને વિશિષ્ટ સેવાઓની સુગંધ પ્રસરી ચૂકી છે.

સાધુ-સાધ્વીજી મહારાજનો પુરુષાર્થ-આચાર્યશ્રી રાજપરમસૂરિજી મહારાજ આ વિસ્તારમાં ગામડે-ગામડે વિહાર કરીને તથા ચાતુર્માસ સ્થિરતા કરીને સરાક બંધુઓને એમના મૂળભૂત જૈન ધર્મ સાથે જોડવાનો પ્રબળ પુરુષાર્થ કરી રહ્યા છે. બાળકો અને યુવાનોને જૈન જીવનશૈલી મુજબ જીવવાની પ્રેરણા આપી રહ્યા છે.

એ જ રીતે સરાક મહિલાઓને પણ જૈન ધર્મની આચારસંહિતા અને જયણાપૂર્વકની જીવનશૈલીથી અલંકૃત કરવાનો ઉદ્યમ સાધ્વી શ્રી શીલરત્નાશ્રીજી મહારાજ, સાધ્વી શ્રી તત્ત્વરસાશ્રીજી મહારાજ તેમજ શ્રી બાપજી મહારાજના સમુદાયનાં સાધ્વી શ્રી દક્ષગુણાશ્રીજી મહારાજ વગેરેની પાવન નિશ્રામાં નિરંતર ચાલી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.