Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

GUના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સનો એક્શન પ્લાનનું ગાંધીનગરમાં વિમોચન

પાંચ વિષયોને આવરી લઇ આ સેન્ટર ઓફ એક્સલન્સ કામગીરી કરશે-રાજ્યની બધી સરકારી યુનિવર્સિટીઝમાંથી ગુજરાત યુનિવર્સિટીની ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપના માટે પસંદગી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીના એકશન પ્લાનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. આ એક્શન પ્લાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી મુખ્યત્વે પાંચ પ્રકારની કામગીરી કરવાની છે.

તદઅનુસાર, યુનિવર્સિટી ભવનો-કોલેજોમાં સસ્ટેઇનેબલ કેમ્પસ અન્વયે સૌર ઊર્જાનો વપરાશ વધારવા સાથે ઊર્જા કાર્યક્ષમતા અને વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરાશે.

એટલું જ નહિ, વેધર સ્ટેશનની સ્થાપના તેમજ અન્ય યુનિવર્સિટીઓ સાથે અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ક્લાયમેટ ચેન્જ વિષયને સ્પર્શતું કોલોબેરશન કરવામાં આવશે.

ઇન્ડસ્ટ્રી એકેડેમીયા પાર્ટનરશીપ કરવી અને યુનિવર્સિટીની બધી જ વિદ્યાશાખામાં ક્લાયમેટ ચેન્જ વિષયને અભ્યાસક્રમમાં આવરી લેવાની બાબતનો પણ એકશન પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં જલવાયુ પરિવર્તનના પડકારો સામે રાજ્યની યુવાપેઢી સજ્જ થાય અને સંશોધન અભ્યાસ વગેરે થઇ શકે તેવા ધ્યેય સાથે વર્ષ ર૦ર૧-રર ના બજેટમાં રાજ્યની કોઇ એક સરકારી યુનિવર્સિટીમાં ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ હેતુસર દોઢ કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવેલા હતા.

આ સંદર્ભમાં રાજ્યની બધી જ સરકારી યુનિવર્સિટીઓ પાસેથી મંગાવવામાં આવેલી દરખાસ્તોની ચકાસણી બાદ ગુજરાત યુનિવર્સિટીની ક્લાયમેટ ચેન્જ સેનટર ઓફ એક્સલન્સ માટે પસંદગી કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ક્લાયમેટ ચેન્જનો અલાયદો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

આ ઉપરાંત ક્લાયમેટ ચેન્જ હેઠળ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયોમાં પી.એચ.ડી સુધીની ડીગ્રીઓ માટે સંશોધનાત્મક-રિસર્ચ કામગીરી પણ કરવામાં આવેલી છે. હવે, આ સેન્ટર ઓફ એક્સલન્સનું કાર્યફલક વધુ વિસ્તારવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ એક્શન પ્લાનનું વિમોચન  કલાયમેટ ચેન્જ વિભાગ ના મંત્રી શ્રી મુળુ ભાઇ બેરા તથા રાજ્ય મંત્રીશ્રી મુકેશ ભાઇ પટેલ અને શિક્ષણ  અને ક્લાયમેટ ચેન્જ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી હૈદર તેમજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી હિમાંશુ પંડયાની ઉપસ્થિતીમાં કર્યુ હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers