Western Times News

Gujarati News

કેનેડાના વર્ક પરમીટની લાલચ આપી લાખો રુપિયા પડાવ્યા

અમદાવાદ, ગાંધીનગરમાં રહેતા એક ૩૧ વર્ષીય વ્યક્તિએ શુક્રવારે શહેર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ત્રણ વિઝા એજન્ટોએ તેમને અને તેમની પત્નીને કેનેડાના વર્ક પરમીટ વિઝાના ખોટા વાયદા આપ્યા હતા અને પછી તેમની પાસેથી રુપિયા ૩૩ લાખ ખંખેરી લઈ છેતરપિંડી આચરી હતી.

તેમની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો અને આરોપી વિઝા એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગરના સેક્ટર ૨૫માં રહેતા ઉમંગ પટેલના જણાવ્યા મુજબ, તેઓ અને તેમની પત્ની દેવાંશી સેક્ટર ૨૪માં કોસ્મેટિકનો રિટેલ બિઝનેસ કરે છે.

તેઓ કેનેડાના વર્ક પરમીટ વિઝા મેળવવા માગતા હતા. જેથી ગયા ફેબ્રુઆરી, ૨૦૨૨માં તેઓ વસ્ત્રાપુરમાં આવેલી સાલ હોસ્પિટલ પાસે જેબી ટાવરમાં ઓફિસ ધરાવતા સુમિત પટેલ, રવિ પટેલ અને મયુર પટેલ નામના એજન્ટોને મળ્યા હતા. જે બાદ એજન્ટોએ વિઝા અને ફ્લાઈટ ટિકિટ માટે રુપિયા ૩૫ લાખની માગણી કરી હતી.

એજન્ટોના કહેવા મુજબ દંપતી ૨૧ માર્ચ, ૨૦૨૨ના રોજ દિલ્હીમાં આવેલા કેનેડિયન દૂતાવાસમાં ઈન્ટરવ્યૂ માટે ગયા હતા. ઉમંગ પટેલના જણાવ્યા મુજબ, એ પછી તેઓને ફરીથી ૬ એપ્રિલ, ૨૦૨૨ના રોજ કેનેડિયન એમ્બેસીની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું હતું.

અહીં પહોંચ્યા બાદ સુમિત અને રવિ તેમને મળ્યા હતા અને તેમના પાસપોર્ટ લઈ લીધા હતા. થોડી વાર પછી એજન્ટોએ તેમના પાસપોર્ટ પર કેનેડિયન વિઝાના સ્ટિકર બતાવ્યા હતા. બાદમાં એજન્ટો તેમના પાસપોર્ટ આગળની કાર્યવાહી માટે લઈ લીધા હતા.

આ એજન્ટોએ પછીથી આ દંપતીને મુંબઈના એજન્ટેને આંગડિયા મારફતે રુપિયા ૨૭ લાખ ચૂકવવાનું કહ્યું હતું. એજન્ટોના કહેવા મુજબ તેઓએ રુપિયા પણ ચૂકવી દીધા હતા. એ પછી તેઓએ ૧૪ માર્ચના રોજ મયુરને રુપિયા ૬ લાખ ચૂકવ્યા હતા. ઉમંગ પટેલના જણાવ્યા મુજબ, એજન્ટો પોતાના વાયદા પરથી ફરી ગયા હતા અને ટિકિટ પણ આપી નહોતી. બાદમાં તેમનો સંપર્ક પણ તૂટી ગયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.