Western Times News

Gujarati News

કોરિયોગ્રાફર કુશ બેંકર ફિલ્મ ‘21 દિવસ’થી કરી રહ્યાં છે દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યૂ

યુએસ એમ્બેસીમાં પ્રમોટ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ છે ‘21 દિવસ’-મુશ્કેલીઓને પણ ફેરવી દે રમૂજી ક્ષણોમાં એવી સરસ વાર્તા છે ફિલ્મ ‘21 દિવસ’માં

ગુજરાતી સિનેમાનો સૂરજ હાલ મધ્યાહને તપી રહ્યો છે. રસપ્રદ વિષય ધરાવતી ગુજરાતી ફિલ્મો હંમેશાથી દર્શકોને થિયેટર્સ સુધી આર્કષવામાં સફળ રહી ચૂકી છે. આવી જ એક આગામી ગુજરાતી ફિલ્મ “21 દિવસ”7મીએપ્રિલના રોજ રજૂ થવા જઇ રહી છે, જે પારિવારિક સંબંધોને એક તાંતણે બાંધે છે,

પરંતુ આ દરમિયાન જે સિચ્યુએશનલ કોમેડી ઉભી થાય છે, તે દર્શકોને પેટ પકડીને હસાવી ભરપુર મનોરંજન પુરૂ પાડવાનું વચન આપે છે. આ ફિલ્મથી અમદાવાદ સ્થિત જાણીતા કોરિયોગ્રાફર કુશ બેંકર પોતાનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કરી રહ્યાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

જેના શ્વાસેશ્વાસમાં ડાન્સ છે, જેનું સમગ્ર જીવન ડાન્સને સમર્પિત છે તેવા કુશ બેંકર કોરિયોગ્રાફર તરીકે બહોળો અનુભવ ધરાવે છે. પોતાના ક્ષેત્રમાં કાઠું કાઢ્યા બાદ હવે તેઓ ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવી રહ્યાં છે. સ્વાભિવક રીતે‘21 દિવસ’ એ કુશ બેંકરની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ હોવાથી આ ફિલ્મ સાથે તેઓની લાગણીઓ જોડાયેલી છે.

‘21 દિવસ’ ફિલ્મ એપ્રિલમાંરીલિઝ થઇ રહી હોવાથી કુશ બેંકર પોતાના સપનાને સાકાર થતુ જોઇ રહ્યાં છે.‘21 દિવસ’ એ પ્રથમ ભારતીય ફિલ્મ છે, જેને યુએસ એમ્બેસીમાં પ્રમોટ કરવામાં આવી છે.

ગુજરાતના જાણીતા કોરિયોગ્રાફર કુશ બેંકરે પોતે ફિલ્મ ડાયરેક્શન તરફ કેમ વળ્યા તે વિશે જણાવતા તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાનમાં જ્યારે મારી પાસે કોઇ એક્ટિવીટી ન હતી, મારા ડાન્સ ક્લાસિસ પણ બંધ હતા, ત્યારે મેં નક્કી કર્યું કે મારે કોઇ પણ રીતે એક્ટિવ રહેવું છે.

એ સમય જ એવો હતો, જ્યાં ચોતરફ હતાશા અને નિરાશા જોવા મળતી હતી, ત્યારે મેં લોકોમાં સકારાત્મકતા ઉદભવે તેવી પ્રવૃત્તિ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. જેના નિષ્કર્ષ તરીકે ફિલ્મ ‘21 દિવસ’ને દિગ્દર્શિત કરવાનું મેં નક્કી કર્યું.

ફિલ્મને એક સંપૂર્ણ મનોરંજક પેકેજ તરીકે દર્શકો માટે રજૂ કરવા માટે અનેક પાસાઓ પર ઝીણવટભર્યુ કામ છે અને તેમાં ઘણા બધાની મહેનત રહેલી હોય છે. પરંતુઆ તમામ પહેલા આવે છે ફિલ્મની વાર્તા. દિગ્દર્શકકુશ બેંકરે ફિલ્મની વાર્તા વિશે જણાવ્યું કે ‘21 દિવસ’ એ એવા પરિવારની વાત છે જેઓ દિવસ દરમિયાન પોતાના કામમાં વ્યસ્ત હોય છે,

પરંતુ સાંજે એક છત નીચે ભેગા થાય છે, ત્યારે તેઓ એકબીજાની ઈર્ષા કરતા હોય છે, તેઓના વિચારોમાં વિરોધાભાસ જોવા મળે છે અનેએક સમય એવો આવે છે જ્યારે આખો પરિવાર પાયમાલ થઇ જાય છે. આ બધા વચ્ચે પરિવારના એક છોકરા માટે યુએસમાં રહેતી એક છોકરીનું મેરેજ પ્રપોઝલ આવે છે,

જે કોઇપણ રીતે આ મેળ બેસી જાય તો પરિવાર સધ્ધર બની શકે તેમ હોવાથી પરિવારના સભ્યો ન ગમતુ હોવા છતાં પણ એક થઇ જાય છે. યુએસથી આવેલી છોકરી પરિવારને મળવા આવે છે, ત્યારે અચાનક એવા સંજોગો સર્જાય છે, જેને લીધે સમગ્ર પરિવારને 21 દિવસ માટે એકબીજા સાથે રહેવાનું થાય છે, તે પણ યુએસથી આવેલી છોકરી સાથે.

આ રીતે ફિલ્મનો પોતાનું ટાઇટલ મળ્યું ‘21 દિવસ’. રસપ્રદ રીતે ફિલ્મનું શૂટિંગ પણ 21 દિવસમાં પુરૂ કરવામાં આવ્યું હતુ.

ફિલ્મનુંટાઇટલ‘21 દિવસ’રાખવા પાછળનું કારણ પણ રસપ્રદ છે. 21 દિવસનો એક ખૂબ જ પ્રચલિત નિયમ છે, જેને મેક્સવેલ માલ્ટ્ઝે 1950 દરમિયાન આપ્યો હતો. આ નિયમ અનુસાર, નવી આદત બનાવવામાં અને જૂની આદત તોડવામાં માત્ર 21 દિવસનો સમય લાગે છે.

આ પધ્ધતિ કોઇપણ વ્યક્તિને સારી વ્યક્તિ બનાવવા માટે તેનામાં આંતરિક લાગણીઓ અને આત્મવિશ્વાસને વધારી શકે છે. આ 21 દિવસના નિયમને ફિલ્મમાં વણી લેવામાં આવ્યો છે, જે ફિલ્મમાં સિચ્યુએશનલ કોમેડીને દર્શાવી દર્શકોને જડબુ દુખી જાય ત્યાં સુધી હાસ્ય મનોરંજન પુરૂ પાડશે.

ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ સાથેની ‘21 દિવસ’ ફિલ્મભરપુર મનોરંજન સાથેની મસ્ટ વૉચ વિથ ફેમિલી ફિલ્મ છે. પરંતુ આ તમામનો અનુભવ કરવા માટે ‘21 દિવસ’ ફિલ્મને થિયેટર્સમાં જઇને જ જોવી જોઇએ.

ધ રેડ ફ્લેગ એન્ટરટેઇનમેન્ટની પ્રસ્તુતિ ‘21 દિવસ’ ફિલ્મમાં મૌલિક નાયક, આર્જવ ત્રિવેદી, પૂજા ઝવેરી, પ્રેમ ગઢવી, રાજુ બારોટ, દીપા ત્રિવેદી, ભરત ઠક્કર, કલ્પેશ પટેલ, મનિષા ત્રિવેદી, કામિની પટેલ, પૂજા પુરોહિત, પ્રશાંત જાંગીડ જેવા કલાકારો છે. ફિલ્મના લેખક પ્રેમ ગઢવી, અદિતી વર્મા અને નિકિતા શાહ છે. ફિલ્મમાં પાર્થ ઠાકરનું સંગીત છે. આ ફિલ્મ 7મીએપ્રિલના રોજ વર્લ્ડ વાઇડ રીલિઝ થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.