Western Times News

Gujarati News

180 કરોડના ખર્ચે કચ્છના રણની થીમ પર બનશે ભૂજનું સ્માર્ટ રેલવે સ્ટેશન

Bhuj Gujarat New Railway Station

ન્યૂ ભૂજ રેલવે સ્ટેશન બદલાશે અત્યાધુનિક સ્ટેશન રૂપે જ્યાં હશે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યાત્રીઓ માટેની સુવિધા સ્ટેશનના પુનર્વિકાશ અને અપગ્રેડેશનની કામગીરી પ્રગતિ પર

વડાપ્રધાનના વિઝનને અનુરૂપ રેલવે સ્ટેશનોને સેવા એક સાધન તરીકે જ નહીં, પણ એક સંપત્તિ રૂપે પરિવર્તન લાવવાના અને વિકસિત કરવાના હેતુથી રેસ મંત્રાલય દ્વારા સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સભર વિશ્વસ્તરીય ટર્મિનલો રૂપે વિકસિત કરવામાં આવી રહ્યા છે જેથી સામાન્ય રેલ યાત્રીઓને આરામદાયક, સુવિધાજનક અને સુખમય રેલયાત્રાનો અનુભવ થઇ શકે.

ભારતીય રેલવે દ્વારા ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને કચ્છના રણની થીમ પર (Bhuj Gujarat New Railway Station on theme of Kutch rann) અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની ડિઝાઇનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. આનાથી એક સુખદ વાતાવરણ પ્રદાન કરામાં આવશે.

ભાવિ સ્ટેશનના લઘુ મોડલને ભુજ સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે જેથી યાત્રીઓને સ્ટેશનના ભાવિ સ્વરૂપની જાણકારી અને અનુભવ મળી શકે. ઉલ્લેખનીય છે કે ભુજ રેલવે સ્ટેશનના પુનર્વિકાસનું કાર્ય શરૂ થઇ ગયું છે અને તેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા 179.87 કરોડ રૂપિયાના સ્વીકૃત ખર્ચે પુનર્વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે.

પરિયોજનાના નિષ્પાદન માટે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) નિવિદા આમંત્રિત કરવામાં આવી, જેને ઓગસ્ટ 2022ના રોજ ખોલવામાં આવ્યું છે. પુનર્વિકાસ કાર્ય 24 મહિનામાં પૂર્ણ કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. ભૂ-ટેક્નિકી તપાસ, સાઇટ સર્વેક્ષણ અને ઉપયોગિતા માનચિત્રણની કામગીરી પૂરી થઇ ગઇ છે અને અપગ્રેડેશનનું કાર્ય પ્રગતિના પંથે છે.

ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને વિભિન્ન સુખ સાધનો અને સુવિધાઓ માટે પૂરતા ક્ષેત્રો સાથે એક સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલ સ્ટેશન રૂપે અપગ્રેડ અને પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ યોજનામાં અલગ અલગ આગમન/પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસર ભીડમુક્ત અને સુગમ પ્રવેશ/નિકાસ, પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે.

પ્લેટફોર્મ પર ભીડ ઓછી કરવા માટે પ્લેટફોર્મ ઉપર યાત્રી સુખ-સાધનો અને સુવિધાઓથી યુક્ત પૂરતા કોનકોર્સ/પ્રતીક્ષા સ્થાન ઉપલબ્ધ હશે. રેલવે સ્ટેશન દિવ્યાંગજનો માટે સુવિધાઓ ધરાવતું હશે, જેથી તે 100% દિવ્યાંગોને અનુકૂળ હશે. ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોનો કુશળ ઉપયોગ,

નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ વગેરેની સુવિધાઓ સાથે સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે. બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી ચાલિત વાહનોના સંચાલનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ટેક્નિક ભર્યું હશે જેમાં શ્રેષ્ઠ સ્ટેશન વ્યવસ્થા માટે કુશળતાપૂર્વક ડિઝાઇન કરેલી લાક્ષણિકતાઓ સામેલ છે.

ન્યૂ ભુજ સ્ટેશનમાં મુખ્ય બિલ્ડિંગ લગભગ 970 ચો.મી. અને જેમાં આવવા-જવા માટે પૂરતી જગ્યા, કોન્કોર્સ અને પૂરતી વેઇટિંગ સ્પેશ છે. સોલાર પેનલ યુક્ત છત, 3240 ચો.મી. કોન્કોર્સ, 6 મીટર પહોળા 2 ફુટ ઓવર બ્રિજ, 13 લિફ્ટ, 10 એસ્કેલેટર્સ, SCADA, BMS, CCTV, EV ચાર્જિંગ સ્ટેશન વગેરે આધુનિક સુવિધાઓથી સુસજ્જિત સ્માર્ટ સ્ટેશન હશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.