Western Times News

Gujarati News

પાકિસ્તાનની આંતકવાદી છાવણીઓ પર હવે ભારતની ત્રીજી આંખ નજર રાખશે

ઈસરોએ સફળતા પૂર્વક સેટેલાઈટ લોન્ચ કરતા ભારતીય લશ્કરની તાકાતમાં વધારો

નવી દિલ્હી: ભારતીય અવકાશ ક્ષેત્રે કામ કરતી અને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત ઈસરો સંસ્થાએ આજે વધુ એક સિધ્ધી હાંસલ કરી છે. આજે સવારે શ્રી હરિકોટાથી ભારતીય લશ્કરની તાકાત વધારવા માટે ઉપયોગી ર્કાર્ટોસેટ-૩ સેટેલાઈટ સફળતા પૂર્વક લોન્ચ કરી દીધું છે. આ સેટેલાઈટ મારફતે ભારતના પડોશી દેશોની સરહદ પર ભારતની ત્રીજી આંખ ચાંપતી નજર રાખશે. આ સેટેલાઈટની ખાસિયત એ છે કે પ૦૯ કિ.મી.ની ઉંચાઈએથી સ્પષ્ટ તસવીરો લઈ શકે છે જેના પરિણામે હવે પાકિસ્તાનની લશ્કરી છાવણી પર નજર રાખવામાં આવશે.

ઈસરો દ્વારા મંગળયાન બાદ વધુ એક મહત્વપૂર્ણ મીશન ઉપર કામગીરી કરી રહયું હતું વૈજ્ઞાનિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી સરહદ પર નજર રાખવા માટે અત્યંત આધુનિક કેમેરાઓથી સજ્જ સેટેલાઈટની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. હરિકોટા ખાતેથી આ સેટેલાઈટ લોન્ચની તારીખ નકકી કરી દેવામાં આવી હતી અને તે મુજબ આજે સવારે હરિકોટાના સતીશધવન કેન્દ્ર પર વૈજ્ઞાનિકો પહોંચી ગયા હતાં. પીએસએલવી-સી-૪૭ દ્વારા કાર્ટોસેટ-૩ લોન્ચીંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

આની સાથે ઈસરો સાથે અમેરિકાના ૧૩ નાના સેટેલાઈટ પણ જાડવામાં આવ્યા હતાં. આજે સવારે નિયત સમય મુજબ આ મહત્વપૂર્ણ સેટેલાઈટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક લોન્ચીંગ થતાં વૈજ્ઞાનિકોમાં ખુશી જાવા મળતી હતી આ સેટેલાઈટ હાલમાં પાંચ વર્ષ સુધી પોતાની કામગીરી કરશે તેવું જણાવવામાં આવ્યું છે.

ભારતીય લશ્કર માટે આ ઉપગ્રહ ખૂબ જ ઉપયોગી છે. ભારત ચાર દેશોની સરહદ સાથે જાડાયેલો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ ત્રણ સરહદો પર આ સેટેલાઈટ ચાંપતી નજર રાખશે. સરહદ પર થતી તમામ ગતિવિધિઓના ફોટા તે ઈસરોને મોકલી આપશે. આ ઉપગ્રહ ભારતીય લશ્કરને તાકાત વધારવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે જેના પરિણામે ભારતીય લશ્કરને સરહદ પર થતી તમામ ગતિવિધિઓની જાણકારી મળતી રહેશે. સેટેલાઈટ મારફતે તમામ તસવીરો ખેંચવામાં આવશે આમ ત્રણેય સરહદો પર હવે ભારતની ત્રીજી આંખ નજર રાખશે. ખાસ કરીને પાકિસ્તાનની સરહદ પર લશ્કરી છાવણીઓ પર આ સેટેલાઈટ વિશેષ નજર રાખશે તેવું જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.