સુરતની સહજાનંદ ટેક્નોલોજિસ અને નિરમા યુનિવર્સિટીએ મહત્ત્વપૂર્ણ MoU સાઈન કર્યા
શિક્ષણ ક્ષેત્રે એક ખૂબ જ નોંધપાત્ર સિદ્ધિરૂપે, સુરત સ્થિત ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી સોલ્યુશન્સનીવિશ્વસ્તરે અગ્રણી ડેવલપર કંપની સહજાનંદ ટેક્નોલોજિસ પ્રાઈવેટ લિમિટેડ (STPL) અને ઇન્સ્ટિટ્યૂટઑફ ટેકનોલોજી,નિરમા યુનિવર્સિટી (ITNU) એ બંને સંસ્થાનો વચ્ચે સહયોગ અને જ્ઞાનના આદાન-પ્રદાનની સુવિધા માટે એક એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા છે.
ડૉ. રાજેશ એન. પટેલ, ડિરેક્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, નિરમા યુનિવર્સિટી અને શ્રી ત્રિનયન જ્યોતિ સૈકિયા, જનરલ મેનેજર એચ.આર, સહજાનંદ ટેક્નોલોજિસ પ્રાઇવેટ લિમિટેડએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
STPL કંપની ઇન્ડસ્ટ્રીયલ લેસર, ડાયમંડ પ્રોસેસિંગ ઓટોમેશન, મેડિકલ ટેક્નોલોજી અને એડિટિવ મેન્યુફેક્ચરિંગ (3D પ્રિન્ટિંગ) ના ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક ટેક્નોલોજિકલ સોલ્યુશન્સ વિક્સાવવામાં સતત મોખરે છે. STPLના લેસર-આધારિત સોલ્યુશન્સે ભારતના ડાયમંડ પ્રોસેસિંગ ઉદ્યોગને સંપૂર્ણપણે પુનર્જીવિત કર્યો છે.
STPL એ આ ક્ષેત્રની પાયોનીયર અને એકમાત્ર કંપની છે, જે ડાયમંડ પ્રોસેસિંગના તમામ તબક્કાઓ અને તેના સેફ ટ્રેડિંગ માટે અદ્યતન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. મેડિકલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં, STPL કંપનીએ સ્વદેશી રીતે અત્યંત કાર્યક્ષમ મેડિકલ સ્ટેન્ટ્સ વિકસાવ્યા છે, આ એક એવું પગલું જેણે ભારતને સ્ટેન્ટના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવ્યું છે,
મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવ્યા છે તથા સારવારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેવી જ રીતે, STPL ભારતને એડિટિવ મેન્યુફેક્ચરિંગને વ્યાપકપણે અપનાવવા તરફ માર્ગદર્શન આપી રહી છે. કંપનીએ ભારતને વૈશ્વિક ઓળખ પણ અપાવી છે. હાલમાં STPL 6 ખંડો અને 30થી વધુ દેશોમાં મોટા પ્રમાણમાં ગ્રાહકો ધરાવે છે.
આ રીતે STPL ભારતના શિક્ષણ ક્ષેત્રને અદ્યતન, વૈશ્વિક અને ઉદ્યોગ-કેન્દ્રિત ટેકનિકલ જાણકારી પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. ભારતના એક જાગૃત કોર્પોરેટ તરીકે, STPL કંપની આત્મનિર્ભર ભારત મિશનને ઔપચારિક રીતે લોન્ચ કરવામાં આવ્યું તે પહેલાંથી જ તેને પ્રોત્સાહન આપવા માટે હંમેશાં પ્રયત્નશીલ છે.
એમ.ઓ.યુ સઁદર્ભમાં વાત કરતાં, STPL ના સી.ઇ.ઓ, શ્રી રાહુલ ગાયવાલાએ કહ્યું, ‘‘ITNU સાથેનું એમઓયુ એ ભારતની અગ્રણી તકનીકી શૈક્ષણિક સંસ્થા સાથે STPLની એક્સપર્ટાઇઝ, એક્સ્પિરીયન્સ અને ઇન્સાઇટ્સ શેર કરવાની દિશામાં એક નક્કર પગલું છે. આ પહેલ શૈક્ષણિક જગત અને ઉદ્યોગો વચ્ચેના અંતરને દૂર કરવાની દિશામાં એક પગલું છે.
આવી પહેલ નૂતનટેક્નોલોજીના વિકાસ માટે નિર્ણાયક છે જે આર્થિક વિકાસને આગળ ધપાવી શકે છે અને લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. STPL કંપનીએ તેની નૂતન શોધોથી ભારતને ગૌરવ અપાવ્યું છે અને હવે અમારું લક્ષ્ય શૈક્ષણિક વિશ્વ સાથે અમારી કુશળતા શેર કરવાનું છે.’’
બંને સંસ્થાનોમાં થયેલા એમ.ઓ.યુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન અને ઇનોવેશન્સ જેવાં ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું છે. આ તમામ એવી અત્યાધુનિક ટેક્નોલોજી છે જે આજે વિવિધ ઉદ્યોગો પર નોંધપાત્ર અસર કરે છે. STPL અને ITNU બંને આ ક્ષેત્રોના મહત્વને ઓળખી રહ્યાં છે અને આ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસને આગળ વધારવા માટે પગલાં લઈ રહ્યાં છે.
એમ.ઓ.યુ મુજબ, STPL દ્વારા ITNU ને ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ,પ્લેસમેન્ટ, સ્ટડી ટુર્સ, અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ વિકસાવવામાં સહાય પૂરી પાડશે. આ પહેલ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને વાસ્તવિક-વિશ્વની ઉદ્યોગ સમસ્યાઓ અને પડકારોનો વ્યાપક અનુભવ મેળવવામાં મદદ કરશે તથા તેમને અદ્યતન ટેક્નોલોજી અને ઇક્વિપમેન્ટ સાથે કામ કરવાનો પ્રેક્ટિકલ અનુભવ મેળવવાની પણ તક આપશે.
વધુમાં, આ એમ.ઓ.યુ બે સંસ્થાનો વચ્ચે સહયોગી સંશોધન અને ટેકનિકલ પ્રોજેક્ટ્સ માટે એક મંચ સ્થાપિત કરે છે, જે ઉદ્યોગની પ્રગતિમાં ફાળો આપશે. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને તેમના સંશોધન અને વિકાસના પ્રયાસોમાં STPL ની મેન્ટરશિપ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનથી ઘણો ફાયદો થશે.