દુનિયાની સૌથી સુરક્ષિત પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજાે લિક થયા

(એજન્સી)વોશિંગ્ટન, દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાઓ પૈકીની એક ગણાતા અને પેન્ટાગોનના નામથી જાણીતા અમેરિકાના સંરક્ષણ વિભાગમાંથી લીક થયેલા ગુપ્ત દસ્તાવેજાેએ આખી દુનિયામાં સનસનાટી મચાવેલી છે.
અમેરિકાની આબરુનો પણ તેના કારણે ભારે ફજેતો થયો છે ત્યારે અમેરિકાની સુરક્ષા એજન્સી એફબીઆઈએ આ મામલામાં ૨૧ વર્ષના લબરમૂછીયા યુવક જેક ટિક્સેરાની ધરપકડ કરી છે. જેણે આ દસ્તાવેજાે લીક કર્યા હોવાનો આરોપ છે. ૨૧ વર્ષીય જેક ડગલાસ ટિક્સેરાને મેસાચ્યુસેટ્સ રાજ્યના ઉત્તરી હિસ્સામાંથી પકડવામાં આવ્યો છે.
આ યુવક અમેરિકાના એર નેશનલ ગાર્ડમાં એરમેન તરીકે ફરજ બજાવે છે અને કેપ કોડના ઓટિસ એર નેશનલ ગાર્ડ બેઝ પર તૈનાત છે. તે અમેરિકન સેનામાં સાઈબર ટ્રાન્સપોર્ટ સિસ્ટમના નિષ્ણાત તરીકે પણ કામ કરે છે. જેક નેશનલ ગાર્ડ બેઝમાં મિલિટરી નેટવર્કનુ મેન્ટેનન્સનુ કામ કરતો હતો. જેકના પરિવારના ઘણા સભ્યો અમેરિકન સૈન્યમાં કામ કરી ચુકયા છે અથવા કામ કરી રહ્યા છે.
જેક ટિકસેરા એક ઓનલાઈન ગેમિંગ ગ્રુપનો પણ સભ્ય છે. આ ગ્રુપના સભ્યો બંદુકો તેમજ બીજા લશ્કરી ઉપકરણોમાં રસ ધરાવતા હોય છે.આ ગ્રુપ પણ એટલે જ બનાવાયુ છે. તેના પર જેક દ્વારા ગુપ્ત દસ્તાવેજાે લીક કરવામાં આવ્યા હતા અને આ ગુપ્ત દસ્તાવેજાે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લીક થઈ ગયા હતા.
અમેરિકાના જે દસ્તાવેજાે જેકે લીક કર્યા છે તેમાં રશિયા અને યુક્રેન યુધ્ધને લઈને બહુ સંવેદનશીલ જાણકારી પણ સામેલ હતી અને આ જાણકારી પણ જાહેર થઈ ગઈ હોવાથી અમેરિકન જાસૂસી સંસ્થાઓ ચોંકી ઉઠી છે.
આ જાણકારીમાં અમેરિકા અને નાટો દેશ તેવી રીતે યુક્રેનને મદદ કરશે અને કયા પ્રકારના હથિયારોનો સપ્લાય કરશે તેની પણ માહિતી છે.સાથે સાથે રશિયા અને યુક્રેન વોરમાં કેટલા સૈનિકોના મોત થયા છે તેનો પણ ઉલ્લેખ દસ્તાવેજાેમાં છે. યુક્રન પાસે બહુ જલ્દી મિસાઈલ્સ અને બીજા હથિયારોનો સ્ટોક ખતમ થઈ જશે તેવી જાણકારીવાળા દસ્તાવેજાે પણ લીક થઈ ગયા છે.
આમ ૨૧ વર્ષના આઈટીના જાણકાર યુવકે અમેરિકાના સંરક્ષણ વિભાગની ગુપ્તતાના દાવાની પોલ ખોલી નાંખી છે. આ યુવક આટલી આસાનાથી સિસ્ટમમાં રહેલા ગુપ્ત દસ્તાવેજાે સુધી પહોંચી ગયો તે વાતથી પણ દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાતો હેરાન છે.