Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભૂગર્ભ જળ રીચાર્જ કરીને પાણીના તળ ઉંચા લાવવા માટે સરકાર કટીબધ્ધઃ કુંવરજી બાવળીયા

બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી અને સિંચાઇના કામોનું નિરીક્ષણ કરતા કુંવરજી બાવળીયા

(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાની એક દિવસની મુલાકાતે પધારેલા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઇ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

હાલમાં ઉનાળાની સીઝનમાં જિલ્લાના શહેર અને અંતરીયાળ ગામડામાં રહેતા લોકો અને પશુઓને પીવાના પાણીની કોઇ મુશ્કેલી ન પડે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ આયોજન અંગે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.

મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ પાલનપુર તાલુકાના ગોળા ખાતે કાર્યરત પાણી પુરવઠા વિભાગનું વોટરવર્કસ સ્ટેશનની મુલાકાત લઇ આ કામ પૂર્ણ થવાથી પાલનપુર તાલુકાના કેટલાં ગામોને પીવાના પાણીનો લાભ મળશે તથા કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમ ડિસીલ્ટીંગ કામગીરીની આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારબાદ બાલરામ નાની સિંચાઇ યોજના અને ડીસા તાલુકાના માલગઢ ખાતે અટલ ભૂજલ યોજના તથા ઝેરડા ગામે સુજલામ- સુફલામ જળ સંચય યોજના હેઠળ ઉંડું કરવામાં આવેલ તળાવનું નિરીક્ષણ કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી માટેના યોજનાકીય કામો, સુધારણા માટેના કામો, સિંચાઇ વિભાગને લગતા અટલ ભૂજલ યોજના અને સુજલામ- સુફલામ યોજના હેઠળ ચાલતા કામોનું અધિકારીઓ સાથે આજે નિરીક્ષણ કર્યુ છે.

કોઇ કામમાં વિલંબ ન થાય એ માટે અધિકારીઓને સુચના આપી છે. આ વિસ્તારમાં બનાસ ડેરીના સહયોગથી તળાવ ઉંડા કરવામાં આવી રહ્યા છે, આ ઉપરાંત પણ સુજલામ- સુફલામ યોજનામાં ખુબ સારા પ્રમાણમાં કામો થઇ રહ્યા છે ત્યારે આ કામો ગુણવત્તાયુક્ત થાય અને પાણીનો સંચય થાય એ માટે પાણી પુરવઠા વિભાગ સતત ચિતિત છે.

આવનારા દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે. અટલ ભૂજલ યોજનામાં રાજ્યના કુલ-૬ જિલ્લાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ભૂગર્ભ જળ રીચાર્જ કરીને પાણીના તળ ઉંચા લાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીની મુલાકાત વેળાએ ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, અગ્રણીઓ સર્વશ્રી લાલજીભાઇ પ્રજાપતિ, શ્રી અશ્વિનભાઇ સક્સેના, શ્રી અમીષપુરી ગૌસ્વામી, શ્રી નિલેશભાઇ મોદી, પાણી પુરવઠાના અધિક્ષક ઇજનેરશ્રી ડી. એમ. બુંબડીયા, ડીસા પ્રાંત અધિકારી સુશ્રી નેહા પંચાલ સહિત અધિકારીઓ-પદાધિકરીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers