Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓએ સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ: આચાર્ય દેવવ્રતજી

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો આઠમો દીક્ષાંત સમારોહ સંપન્ન-મહાનુભાવોના હસ્તે ૩૭ ને સુવર્ણચંદ્રક સહિત કુલ ૨૩,૦૬૭ વિદ્યાર્થીઓને પદક, પદવી અને પ્રમાણપત્ર એનાયત

વ્યક્તિને મનથી સ્વતંત્ર બનાવે એ જ સાચું શિક્ષણ : સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી

ભારત રત્ન શ્રી ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને આર્ષ વિદ્યામંદિર, રાજકોટના પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

યુ .જી.સી. દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને કેટેગરી-૧ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ-નેક દ્વારા આ યુનિવર્સિટીને A++ ઉચ્ચતમ ગ્રેડ મળ્યો છે. આ બંને સન્માન મેળવનાર ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી બનતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં યુનિવર્સિટીના સંચાલકોને અભિનંદન આપ્યા હતા.

દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પદવી હાંસલ કરનાર વિદ્યાર્થીઓએ જીવનમાં સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ. પ્રકાશના એક કિરણમાં ઘનઘોર અંધકારને ચીરવાની ક્ષમતા છે, એમ સત્ય એ પ્રકાશ છે. જીવનમાં સત્યનું આચરણ કરવાથી આત્મિક, માનસિક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે.

‘સત્યમેવ જયતે’, અંતિમ વિજય સત્યનો જ છે. ધર્મ એટલે જવાબદારી અને કર્તવ્યનું પાલન. માતૃધર્મ, પિતૃધર્મ, રાષ્ટ્રધર્મ; એમ ધર્મની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શપથ લે કે તેઓ જવાબદાર નાગરિક બનશે. દીન-દુખીયાની સેવા કરતાં કરતાં હંમેશા પરોપકાર અને ભલાઈના માર્ગે ચાલશે. ભારત વિશ્વગુરુ બને એ દિશામાં પ્રયત્ન કરીને રાષ્ટ્રના ઉત્તમ પ્રહરી બનશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતીએ આ દેશને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા યશસ્વી પ્રધાનમંત્રી આપ્યા છે, જે દેશના નિર્માણમાં- વિશ્વગુરુ બનાવવામાં અહર્નિશ કામ કરી રહ્યા છે.

આપણે આપણા અધિકારો પ્રત્યે જેટલા જાગૃત છીએ એટલા જ આપણા કર્તવ્ય પ્રત્યે પણ થઈએ. હંમેશા પ્રામાણિક અને સારા કર્મો કરવા તેમણે વિદ્યાર્થીઓને શીખ આપી હતી. ‘રિસર્ચ’ એ ‘ઋષિ’નો જ અપભ્રન્સ થયેલો શબ્દ છે, એવો પ્રાસ બેસાડતાં તેમણે કહ્યું કે, પુરાણકાળમાં ઋષિઓએ જે સંશોધનો કરીને શાસ્ત્રોમાં લખ્યાં છે,

એ વાતો આજે લેબોરેટરીમાં રિસર્ચ કરતાં સાબિત થાય છે. ઋષિઓએ વેદ,,ઉપનિષદ, શાસ્ત્રોમાં ભૌતિક અને આધ્યાત્મિક, પ્રેય અને શ્રેય બંને પ્રકારના શિક્ષણની વાત કરી છે. તેમણે વિદ્યાર્થીઓને વિચાર, વાણી અને કર્મમાં હંમેશા પવિત્રતા જાળવવાની શિખામણ આપી હતી.

આ દીક્ષાંત સમારોહમાં ઉચ્ચ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્ષમ નેતૃત્વમાં આજે દરેકે દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થકી આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. નવી શિક્ષણ નીતિ દ્વારા દેશમાં હવે જ્ઞાન અને માહિતી વચ્ચેની ભેદરેખા દૂર થઈ રહી છે.

આજના ટેકનોલોજીના આધુનિક યુગમાં મૂલ્યવર્ધિત શિક્ષણની તાતી જરૂરિયાત છે, ત્યારે નવી શિક્ષણ નીતિ દેશના યુવાનોને પોતાના મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જોડીને દુનિયા સાથે તાલમેલ મેળવવા માટે તૈયાર કરશે એમ તેમણે જણાવ્યું હતું.

નવા યુગમાં શિક્ષણના બહુવિધ હેતુઓ અંગે વાત કરતાં શ્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે જ્યારે આપણો દેશ દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણું શિક્ષણ પણ બહુવિધ હેતુઓ આધારિત હોવું જરૂરી છે. શિક્ષણ વિદ્યાર્થીઓને તેની સામાજિક અને નૈતિક જવાબદારીઓ સુપેરે નિભાવતા શિખવાડે તે જરૂરી છે.

મૂલ્યવર્ધિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિના સંરક્ષણ પ્રત્યે સભાનતા કેળવાવી જોઈએ. આવનારા સમયમાં આપણા વિદ્યાર્થીઓ વૈશ્વિક પરિમાણો અને પડકારોનો અનેરા આત્મવિશ્વાસ સાથે સામનો કરી શકે તે માટે તેમને તૈયાર કરવાનો આપણો ધ્યેય છે. નવી શિક્ષણ નીતિ આવનારા સમયમાં ચોક્કસપણે દેશને પોતાની નૈતિક અને સામાજિક જવાબદારીઓ પ્રત્યે સભાન નાગરિકો આપશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પદવીદાન પ્રસંગે વધુમાં વાત કરતાં શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ભારત ‘વસુધૈવ કુટુમ્બકમ’ના સૂત્ર સાથે G20 ની યજમાની કરી રહ્યું છે. ભારતની સંસ્કૃતિ અને વૈચારિક મૂલ્યોને દુનિયાભરમાં સ્થાપિત કરવાનું કાર્ય આપણે કરી રહ્યા છીએ. સાચું શિક્ષણ એ છે

જે વિસ્તારવાદ, ભાષાવાદ અને જ્ઞાતિવાદના બંધનો દૂર કરીને સૌને એકબીજાની સાથે લાવીને નિરપેક્ષભાવ કેળવે તથા સૌને ધર્મ અને સંસ્કૃતિના વારસા સાથે જોડે. બાબાસાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટી પણ આ દિશામાં કાર્ય કરી રહી છે.

બાબાસાહેબ આંબેડકરે અત્યંત કપરી પરિસ્થિતિઓમાંથી આગળ આવીને દેશને દિશા આપવાનું કામ કર્યું હતું અને લોકશાહી પધ્ધતિથી દેશને ચલાવવા માટે દેશનું બંધારણ ઘડવાનું કાર્ય કર્યું હતું. તેમણે દેશના છેવાડાના માનવીના હકો અને તેમના અધિકારો માટે ખૂબ ઉમદા કાર્ય કરેલું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ દીક્ષાંત સમારોહમાં  ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે નવી શિક્ષણ નીતિ દ્વારા વિદ્યા માત્ર કેળવણી કે પેટીયું રળવાનું સાધન સુધી સીમિત ના રહીને દેશના યુવાધનને નવી દિશા આપીને તેમને આવનારા પડકારો માટે તૈયાર કરવાનું કાર્ય કરે

તેવું શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આપણી સંસ્કૃતિ જ્ઞાનને પૂજનારી સંસ્કૃતિ છે. કારની લાઈટ જેમ કારને અકસ્માતથી બચાવે છે તેમ શ્રેષ્ઠ ગુરુઓ પાસેથી મળેલું જ્ઞાન વિદ્યાર્થીઓને જીવનમાં આવનારા પડકારો સામે લડવા માટે તૈયાર કરે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

પોતાના ઉદબોધનમાં વધુ વાત કરતાં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, શિક્ષણનો મૂળ હેતુ વિદ્યાર્થીને ‘સત્યમ વદ, ધર્મમ ચર’ ઉક્તિને સાર્થક રીતે સમજાવવાનો છે. સાચી કેળવણી અર્થ ઉપાર્જનના હેતુ પૂરતી સીમિત હોતી નથી. સાચું શિક્ષણ વિદ્યાર્થીને પ્રકૃતિ, પર્યાવરણ અને સમાજનું મહત્વ સમજાવીને તેને શ્રેષ્ઠ સમાજ અને પ્રકૃતિ સંરક્ષણ માટે પોતાની નૈતિક જવાબદારીઓ અદા કરવા માટે તૈયાર કરે તેવું હોવું જોઈએ.

સાચું શિક્ષણ એ છે જે વિદ્યાર્થીને શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે કર્તવ્યનિષ્ઠા માટે તૈયાર કરે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ સાથે જ તેમણે પદવી મેળવવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલા વિદ્યાર્થીને હરહંમેશ જીવંત રાખવા માટે અનુરોધ કર્યો હતો તથા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્વચ્છતા અને સુઘડતાને પણ બિરદાવી હતી.

આર્ષ વિદ્યામંદિર, રાજકોટના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વૈદિક શિક્ષણની જરૂરિયાત અને તેના મહત્વ વિશે સમજાવતાં જણાવ્યું હતું કે, વૈદિક શિક્ષણ પદ્ધતિમાં ગુરુકુળમાં અર્થ ઉપાર્જન વિદ્યા અને જીવન જીવવાની વિદ્યા શીખવવામાં આવતી હતી. વૈદિક શિક્ષણ પદ્ધતિ અનુસાર ‘ધર્મ’ શબ્દનો મૂળ અર્થ થાય છે –

‘ફરજ બજાવવી’. અનાદી કાળથી ચાલતી પ્રાચીન વૈદિક શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે પોતાની નૈતિક અને સામાજિક જવાબદારીઓ અદા કરવા માટે સુપેરે તૈયાર કરવામાં આવતા હતા. ‘Edu for all’ ના ધ્યેયમંત્ર સાથે કાર્ય કરતી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પણ અનેકવિધ ઉમદા શૈક્ષણિક પ્રકલ્પો થકી સમાજ માટે જવાબદાર નાગરિકો તૈયાર કરવાનું કાર્ય કરી રહી છે.

આજના સાયન્સ અને ટેક્નોલોજીના યુગમાં સંબંધો અને લાગણીઓની પરતંત્રતા સ્વરૂપે મોટી માનસિક સમસ્યા ઉભી થઇ છે. સાચું શિક્ષણ એ છે જે વ્યક્તિને મનથી સ્વતંત્ર બનાવીને વ્યક્તિગત સ્વતંત્રતા અર્પણ કરે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પદવીદાન પ્રસંગે BAOU ના કુલપતિ સુશ્રી અમી ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પોતાના અનેકવિધ નવીન પ્રકલ્પો દ્વારા અનેક લોકોને ડિસ્ટન્સ લર્નિંગ થકી પોતાના સપના સાકાર કરવામાં મદદ કરે છે. એવા લોકો કે જેમનું શિક્ષણ કોઈ સામાજિક કે આર્થિક કારણોસર છૂટી ગયું હોય

કે જેમને પોતાની રુચિ અનુસાર અભ્યાસ કરવો હોય તેમને BAOU એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. પોતાના હેતુઓમાં અગ્રેસર એવી ભારતની આ એકમાત્ર સ્ટેટ ઓપન યુનિવર્સીટીને NAAC દ્વારા A++ રેન્ક પ્રાપ્ત થયો છે તથા UGC દ્વારા પણ પ્રથમ રેન્ક પ્રાપ્ત થયો છે જે અમારી આયોજનબદ્ધ શિક્ષણ પદ્ધતિની સાબિતી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે આજે આપણે આઝાદીના અમૃત મહોત્સવ તથા G20 ની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે  BAOU પણ વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતને સાર્થક કરી રહી છે. BAOU દ્વારા દિવ્યાંગજનો,જેલના કેદીઓ, ગૃહિણીઓ, ધંધા-રોજગાર તથા નોકરી સાથે જોડાયેલા લોકો માટે અનેકવિધ કોર્સિસ ચલાવવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું.

આઠમા પદવીદાન સમારોહમાં આજે મહાનુભાવોના હસ્તે ૩૭ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક, ૩૯ વિદ્યાર્થીઓને રજત ચંદ્રક, ૧૦ વિદ્યાર્થીઓને વિદ્યાવાચસ્પતિની ઉપાધિ, ૩,૬૧૭  વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર ઉપાધિ, ૧૪,૨૬૬ વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી, ૨૪૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમાની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

૪,૮૫૦ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે અન્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ, મહાનુભાવો, શિક્ષણવિદ્, યુનિવર્સિટીના એકેડેમિક પ્લાનિંગ બોર્ડના સભ્યો, પ્રાધ્યાપકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડૉ. ભાવિનભાઈ ત્રિવેદીએ આભાર દર્શન કર્યું હતું. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers