Western Times News

Gujarati News

અમદાવાદ BRTS કોરિડોરમાં પોલીસનું સઘન ચેકિંગ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસતંત્ર દ્વારા નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે આ દરમિયાનમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસની ટક્કરથી બે ભાઈઓના મોત નીપજતા ભારે હોબાળો મચ્યો છે જેના પગલે ગઈકાલે ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બીઆરટીએસ બસમાં પ્રવાસ કરી કોરીડોરનું નિરીક્ષણ કર્યું હતું અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા હતા.

પોલીસતંત્ર દ્વારા બીઆરટીએસ કોરીડોરમાં વાહન ચલાવનાર ચાલકો વિરૂધ્ધ આકરા દંડની જાગવાઈ કરી છે અને આજે સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં બીઆરટીએસ કોરીડોર પર પોલીસ ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી જેમાં કેટલાક નાગરિકો બીઆરટીએસ કોરીડોરમાં વાહનો ચલાવતા ઝડપાયા છે અને તેઓની સામે દંડ વસુલ કરવામાં આવી રહયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહયા છે બીજીબાજુ બીઆરટીએસ કોરીડોરના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકજામ રહેતો હોવાની ફરિયાદો ઉઠી હતી. મ્યુનિ. કોર્પો. દ્વારા આવા વિસ્તારોમાં સર્વે શરૂ કરી દીધો છે અને જરૂર જણાશે તો બીઆરટીએસ કોરીડોર હટાવવાનો પણ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.

બીજીબાજુ બીઆરટીએસ બસોથી થતાં અકસ્માતોના પગલે પ્રશાસન તંત્ર છેલ્લા ચાર દિવસથી સતત આ મુદ્દે વિચારણા કરી રહયું છે અને ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મુદ્દે કેટલાક મહત્વપૂર્ણ સુચનો કર્યા હતા અને જરૂરી પગલાં લેવાનો આદેશ પણ આપ્યો હતો.

બીઆરટીએસ બસ સેવા પ્રારંભથી જ વિવાદમાં સપડાયેલી છે જાકે નોકરિયાત અને વિદ્યાર્થીઓ માટે આ બસ સેવા ખૂબ જ આવશ્યક બની ગઈ છે આ  પરિસ્થિતિમાં   બીઆરટીએસ બસ સેવા વધુ અસરકારક બની રહે તે માટે પગલા ભરવાનું નકકી કરાયું છે. બે દિવસથી ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ, સુરતમાં ચાલતી બીઆરટીએસ બસ સેવાના સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી રહયા હતા અને ત્યારબાદ બીઆરટીએસ બસોની સ્પીડ લીમીટ પણ નકકી કરી દેવામાં આવી છે.

ગઈકાલે અમદાવાદ પોલીસતંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને જાહેર કરવામાં આવ્યું હતું કે બીઆરટીએસ બસમાં ખાનગી વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ છે અને આ નિયમનો હવે કડકાઈથી અમલ કરવામાં આવશે જેના પગલે ગઈકાલે સાંજે કેટલાક વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં વૈભવી કારો જપ્ત કરવામાં આવી હતી.

આ દરમિયાનમાં આજે સવારથી જ શહેરના સાબરમતી સહિતના વિસ્તારોમાં બીઆરટીએસ કોરીડોર પર પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી અને સવારથી જ બીઆરટીએસ કોરીડોર પર નજર રાખવામાં આવી રહી હતી. સાબરમતી વિસ્તારમાં આજે સવારે એક પોલીસ જવાન પણ બીઆરટીએસ કોરીડોરમાં ઘુસતા જ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત અન્ય કેટલાક વાહન ચાલકો પણ બીઆરટીએસ કોરીડોરમાં પ્રવેશતા તેઓને અટકાવી દંડની રકમ વસુલવામાં આવી હતી. આજે દિવસભર આ ખાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.