Western Times News

Gujarati News

દક્ષિણ ઝોનમાં ૧પ કોમર્શિયલ મિલકતોની જાહેર હરાજીનાં ચક્રો ગતિમાન

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગે કમિશનર એમ. થેન્નારસનના આદેશના પગલે ડિફોલ્ટર્સ સામે કડક સીલિંગ ઝુંબેશ હાથ ધરી હતી. નાણાકીય વર્ષ ર૦રર-ર૩માં ન ભૂતો ન ભવિષ્યતિની જેમ એક લાખથી વધુ કોમર્શિયલ એકમને તંત્રનાં તાળા લાગ્યા હતાં

બીજી તરફ સત્તાવાળાઓએ મોટી રકમના ડિફોલ્ટર સામે તેમની મિલકતની જાહેર હરાજીની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા હતા. જે હેઠળ ૧પ૦થી વધુ મિલકતોને તે નાણાકીય વર્ષમાં જાહેર નોટિસ અપાઈ હતી. હવે જયારે નવું નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪નો પ્રારંભ થયો છે તો ફરીથી તંત્ર આકરા પાણીએ આવ્યું છે અને અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વખત નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ મોટી રકમના ડિફોલ્ટર્સની મિલકતની જાહેર હરાજી કરવાની દિશામાં પ્રોપર્ટી ટેકસ વિભાગ મક્કમ બન્યો છે, જેના કારણે ડિફોલ્ટર્સમાં ભય વ્યાપી ગયો છે.

તંત્ર દ્વારા બાકી ટેકસ કરદાતાઓ માટે ઐતિહાસિક એવી વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરાઈ છે, જેની મુદતમાં એક મહિનાનો વધારો કરવાથી તે હેઠળ ૩૦ એપ્રિલ સુધી બાકી કરદાતાઓ ૧૦૦ ટકા વ્યાજ માફીનો લાભ લઈ શકશે. વન ટાઈમ સેટલમેન્ટ યોજનાને નાગરિકોએ મોકળા મને વધાવી લીધી છે.

નવા નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪માં પણ તંત્રને આ યોજનાથી ખાસ્સી એવી આવક થઈ છે. બીજી તરફ પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રોપર્ટી ટેકસ વિભાગની એડવાન્સ ટેકસ રિબેટ યોજના પણ હાલમાં અમલ હેઠળ છે. આ યોજના અંતર્ગત પ્રામાણિક કરદાતાઓને ૧પ ટકા સુધીની રાહત પ્રોપર્ટી ટેકસ બિલમાં મળનાર છે.

આમ પ્રોપર્ટી ટેકસની આવક વધારવા માટે તંત્ર ભારે પ્રયત્નશીલ છે કેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રજાકીય સુખાકારીના કામ કહો કે વિકાસલક્ષી પ્રોજેકટ ગણો, પરંતુ આ બંને બાબતોમાં પ્રોપર્ટી ટેકસની આવક તંત્ર માટે રાહતરૂપ બનતી આવી છે.

વન ટાઈમ સેટલમેન્ટ યોજના, એડવાન્સ ટેકસ રિબેટ યોજના તેમજ મેગા ટ્રિગર ઈવેન્ટની સાથે સાથે તંત્રએ મોટી રકમના બાકીદારો સામે લાલ આંખ કરવાની પ્રવૃતિ નવા નાણાકીય વર્ષમાં પણ આગળ ધપાવી છે, જે અંતર્ગત આજે દક્ષિણ ઝોનની કુલ ૧પ કોમર્શિયલ મિલ્કતને બાકી મિલકત વેરો સાત દિવસમાં ભરપાઈ કરવાની જાહેર ચેતવણી અપાઈ છે.

આ મિલકતોની જાે બાકી ટેકસ સમયસર નહી ભરાય તો તેની જાહેર હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવી પણ તંત્રએ ચીમકી આપી છે. તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયેલી યાદીમાં નારોલના શાહવાડી વિલેજની ગુજરાત સ્ટીલ, કમોડની મનન ઓટો લિન્ક પ્રા.લિ. વટવાની નિકી એન્ટરપ્રાઈઝ, નારોલ ચોકડી પાસેની પ્રકાશ મોટર્સ અને વટવાના બીબી તળાવ પાસેની શ્રીજી સુપરકાસ્ટ સહિતની મિલકતોની રૂા.ર,૮૬,૬૮,૩ર૩ની રકમત તંત્રના ચોપડે બાકી બોલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.