Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિરમગામ ખાતે જિલ્લાકક્ષાના વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી

સેમીનાર, રેલી, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને પોરાભક્ષક માછલી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

દર વર્ષ ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ વર્ષની થીમ ‘મેલેરિયાને શૂન્ય સુધી પહોંચાડવાનો સમય : નિવેશ કરો, નવું કરો, અમલ કરો” નિયત કરાઈ છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ, અને પોરાભક્ષક માછલી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી એમ. કે દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેશ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી

ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ  વાઘેલા, જિલ્લા સુપરવાઇઝર આર જી પટેલ, સુપરવાઇઝરો સહિત આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિતીમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ ખાતે સેમીનાર, રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સોશિયલ  મીડિયાના માધ્યમથી પણ જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જિલ્લા મેલેરીયા અધિકારી ડો.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લામાં  છેલ્લા દસ વર્ષથી મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો નોંધાતો રહે છે જેના પાછળ આરોગ્ય વિભાગની મેલેરીયા શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને લોકો દ્વારા મળેલ સાથ સહકારને કારણે આ શક્ય બન્યુ છે.

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ દરમ્યાન લોહીના નમૂના એકત્રીકરણ કરવામાં આવે છે, ગામે-ગામ પોરાનાશકની કામગીરી હાથ ધરવામાં આવે છે. નોંન ટ્રાન્સમિશન ઋતુમાં સતત માસ એક્ટિવિટી  કરાય છે. તથા જીઆઇડીસી વિસ્તારોમાં અને ટાયર પંચરની દુકાન, એસટી ડેપો, બિન વપરાશી અવાવરૂ મકાનોની, સરકારી મકાનોની ચકાસણી કરવામાં આવે છે.

વધુમાં તહેવારોમાં, મેળાઓમાં પણ વાહક જન્ય રોગોની જન-જાગૃતિ લાવી શકાય તેવા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા છે. આવા સતત પ્રયત્નના કારણે મેલેરિયામાં કંટ્રોલ કરી શકાય છે અને નાબૂદી તરફ આગળ વધી રહ્યા છીએ. જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અઠવાડિયામાં એક વખત પાણી ભરવાના પાત્રોની યોગ્ય સાફ-સફાઈ કરવી અને પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers