Western Times News

Gujarati News

નેશનલ મેડિકલ ડિવાઇસ પોલિસી ૨૦૨૩ ને મંજૂરી વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો ર્નિણય

બેઠક દરમિયાન ૧૫૭ નવી નર્સિંગ કોલેજ બનાવવાનો ર્નિણય, તેનાથી ૧૫૦૦૦ નર્સિંગ સીટ ઉપલબ્ધ થશે

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના ર્નિણય લેવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપતા જણાવ્યું કે મોદી સરકારે કેબિનેટ બેઠક દરમિયાન નેશનલ મેડિકલ ડિવાઇસ પોલિસી ૨૦૨૩ ને મંજૂરી આપી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે મોદી કેબિનેટે બેઠક દરમિયાન ૧૫૭ નવી નર્સિંગ કોલેજ બનાવવાનો ર્નિણય કર્યો છે. તેનાથી ૧૫૦૦૦ નર્સિંગ સીટ ઉપલબ્ધ થશે. આ બધી કોલેજ ૨૦૨૭ સુધી બનીને તૈયાર થઈ જશે. સરકાર તેને બનાવવા માટે ૧૫૭૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

નેશનલ મેડિકલ ડિવાઇસ પોલિસી ૨૦૨૩ ને મંજૂરી મળ્યા બાદ દેશમાં મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે. નોંધનીય છે કે ભારતે કોરોના મહામારી દરમિયાન મોટા સ્તર પર વેન્ટીલેટર, આરટી-પીસીઆર ટેસ્ટ કિટ, એન-૯૫ માસ્ક, થર્મોમીટર અને પીપીઈ કિટ જેવા મેડિકલ ઉપકરણ તૈયાર કર્યાં હતા અને દેખાડી દીધું કે તે પોતાની જરૂરીયાત પૂરા કરવાની સાથે નિકાસ માટે પણ મેડિકલ ઉપકરણ બનાવી શકે છે.

હવે નવી પોલિસી દ્વારા સરકારે નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે જેથી મેડિકલ સાધનોના ૧૦૦થી ૩૦૦ અબજ ડોલરના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાની ભાગીદારી ૧૦થી ૧૨ ટકા સુધી વધારી શકાય. આ સાથે ભારતમાં મેડિકલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઓછામાં ઓછા ૨૫ ફ્યૂચરિસ્ટિક અત્યાધુનિક ટેક્નોલોજીનો આવિષ્કાર કરવામાં આવે. નોંધનીય છે કે મેડિકલ સાધનોના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતની ભાગીદારી ૧.૫ ટકા છે.

મોદી કેબિનેટની બેઠક દરમિયાન દંતેવાડામાં શહીદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ સિવાય પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નિધન પર પણ કેબિનેટે શ્રદ્ધાંજલિ આપી છે.

બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે દંતેવાડામાં નક્સલીઓના આઈઈડી હુમલામાં શહીદ થયેલા ડીઆરજીના ૧૦ જવાનો અને એક ડ્રાઇવરને આજે કેબિનેટની બેઠકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. શિરોમણિ અકાલી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.