Western Times News

Gujarati News

ઓપરેશન કાવેરી: સુદાનમાં ફસાયેલા ૫૬ ગુજરાતીઓને પરત લવાયા

હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું

યુદ્ધ દરમિયાન ૭૨ કલાકના યુદ્ધવિરામ વચ્ચે ભારત સરકારે ગુજરાતીઓ સહિત ભારતીય નાગરીકોને બહાર કાઢવા ઓપરેશન કાવેરી હાથ ધર્યું છે

અમદાવાદ, સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ઓપરેશન કાવેરી કવચ બન્યું છે. સુદાનમાં પેરામિલિટરી ફોર્સ અને સેના વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા ૫૬ ગુજરાતીઓને પરત લવાયા છે. આ યુદ્ધ દરમિયાન ૭૨ કલાકના યુદ્ધવિરામ વચ્ચે ભારત સરકારે ગુજરાતીઓ સહિત ભારતીય નાગરીકોને બહાર કાઢવા ઓપરેશન કાવેરી હાથ ધર્યું છે. Operation Kaveri: 56 Gujaratis stranded in Sudan were brought back

ગુજરાતના કુલ અત્યાર સુધીમાં ૭૨ લોકોએ ભારત પરત આવવાની અરજી કરી છે. તેમાંથી ૫૬ ગુજરાતીઓને ભારત પહોંચાડવામાં આવ્યા છે. તેમણે વતનમાં આવતાં જ જીવમાં જીવ આવ્યો હોય એવો હાશકારો અનુભવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ગુલાબનું ફૂલ આપીને તમામને આવકાર્યા હતા.

આ દરમિયાન હેમખેમ રીતે સુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો હતો. સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ત્યાં રહેતા ગુજરાતીઓને ભારત સરકારે તેમના વતન પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરી હતી. ૫૬ ગુજરાતી સુદાનથી મુંબઈ પહોંચ્યા હતા.

જેમાં મુંબઈથી અમદાવાદ આવવા માટે ૪૪ ગુજરાતીઓ ગઈકાલે સાંજે નીકળ્યા હતા અને આજે સવારે છ વાગે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સુદાનથી આવેલા સૌ ગુજરાતીઓનું સ્વાગત અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુલાબના ફૂલ આપી કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, સુદાનમાંથી ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધી ૫૩૪ ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ભારત પોતાના બાકી રહેલા નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.