Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સુરતમાં બ્રિજ પર સિટી બસ રોન્ગ સાઈડમાં દોડાવતાં હોબાળો

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પાલિકાનું તંત્ર દોડતું થયું

સુરત, સુરતમાં બીઆરટીએસ BRTS અને સિટી બસના ચાલકો બેફામ બની ચુકયા છે. છાશવારે સર્જાતા અકસ્માતો અને માતેલા સાંઢની જેમ દોડતી બસોને કારણે છાશવારે વિવાદનું કેન્દ્ર બનતી આ સેવા હવે શહેરીજનો માટે જ અભિશાપ રૂપ સાબિત થઈ રહી હોય તેવું નજરે પડી રહ્યું છે.

રાત્રે ગોડાદરા રેલવે ઓવર બ્રિજ પરથી એક સિટી બસના ચાલકે બેફામપણે રોંગ સાઈડમાં બસ હંકારી મુકી હતી. આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. અલબત્ત, હવે આ અંગે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા બસ ચાલકને ઘરભેગો કરીને કાર્યવાહી કર્યા અંગેનો દાવો કરાઈ રહ્યો છે.

ચોંકાવનારી ઘટનાની વિગતો એવી છે કે, શહેરમાં ગોડાદરા ડિડોલી રેલવે ફલાય ઓવર બ્રિજ પર ગત રાત્રે સિટી બસ ના ચાલક સંદિપ પાંડેએ રોંગ સાઈડમાં જ બસ હંકારી મુકી હતી. બેફામ દોડી રહેલી આ બસને પગલે સામેથી આવી રહેલા વાહન ચાલકોમાં ફફડાટ મચી ગયો હતો.

અકસ્માતને ખુલ્લુ આમંત્રણ આપી રહેલા આ બસના ચાલક દ્વારા પુરપાટ ઝડપે બસ દોડાવી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા ભારે હોબાળો મચ્યો હતો. સિટી બસ દ્વારા છાશવારે અકસ્માતને પગલે શહેરીજનોમાં બસના ચાલકો વિરુદ્ધ ભારોભાર આક્રોશ જાેવા મળી રહ્યો છે

ત્યારે હવે આ પ્રકારની ઘટનાને પગલે વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે. એક પછી એક આ પ્રકારની લોકોના જીવન જાેખમમાં મુકે તેવી ઘટનાઓને લીધે પાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી બસ સેવા તેમના માટે જ હાલાકીનું કારણ બની રહી હોય તેમ જણાઈ રહ્યું છે. પાલિકાએ ડ્રાઈવરની હકાલપટ્ટીથી જ સંતોષ લેવાનું મુનાસિબ માન્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers