Western Times News

Gujarati News

‘શિક્ષકોએ શિક્ષણ થકી બાળકોમાં રહેલ કૌશલ્યનો વિકાસ સાધી તેમને આત્મનિર્ભર બનાવવા જોઈએ’

AMA ખાતે આયોજિત G-20 ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ માસુમ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત G-20 ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ માસુમ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિતિ રહ્યા હતા. “Teachers should develop the skills of children through education to make them self-reliant”

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે આ કાર્યક્રમમાં હું એક શિક્ષણ મંત્રી તરીકે નહીં પરંતુ આપ સૌ આચાર્યો અને શિક્ષકો સાથે એક પરિવારના સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યો હોવાની અનુભૂતિ કરી રહ્યો છું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક શિક્ષક તરીકે શિક્ષણ વિભાગમાં આપણે સૌએ સારું કાર્ય કરવાનું છે. આજના સમાજ, બાળક અને યુવાનોને આપણે સૌએ સહાયરૂપ બની તેમના વિકાસમાં ફાળો આપવાનો છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું જે લક્ષ્યાંક જોયું છે, તેમાં આપણે સૌએ ભાગીદાર થવું જોઈએ અને આવનારી પેઢીને પણ તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ મોદી ભારત દેશને વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. જે આપણા સૌ માટે ગર્વની બાબત છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે નવી શિક્ષણ નીતિની વાત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણના સ્તરમાં નવી શિક્ષણ નીતિનો સુચારુરૂપે અમલ થાય તે માટે શાળાના આચાર્યોએ, શિક્ષકોએ અને શિક્ષણ વિભાગના દરેક કર્મચારીઓએ તેમાં અંગત રસ પરોવી ઉમદા કામગીરી કરી જનસમુદાયને સહયોગ આપવાની જરૂર છે, જેથી નવી શિક્ષણ નીતિનો સરળતાથી અમલ કરી શકાય અને લોકોનો વિકાસ કરી શકાય, તેમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતના સૂત્રની વાત કરતા જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપીને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સાર્થક પ્રયત્ન સાધ્યો છે, અત્રે ઉપસ્થિત સૌ શિક્ષકોએ અને આચાર્યોએ શિક્ષણ થકી બાળકોમાં રહેલ કૌશલ્યનો વિકાસ કરી તેમને આત્મનિર્ભર બનાવવા જોઈએ. જો આપણા દેશનો યુવાન આત્મનિર્ભર બનશે તો દેશ ઝડપથી આત્મનિર્ભર બનશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

અંતે તેઓએ વિવિધ શાળાના શિક્ષકો અને આચાર્યોને આહવાન કર્યું હતું કે, આપણે સૌએ બાળક અને યુવાનોમાં શિક્ષણની જ્વાળાને પ્રગટાવી સમાજનિર્માણ અને રાષ્ટ્રનિર્માણ કરી દેશને અનેક ઊંચાઇઓ સુધી લઈ જવો જોઈએ સાથે સાથે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસના સૂત્રને વધુ સાર્થક બનાવવા પ્રયત્ન કરવો જોઈએ, તેમ તેઓએ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં સી.આઈ.આઈ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી દર્શનભાઈ શાહ, સમગ્ર શિક્ષા સચિવ અને G-20 શિક્ષણ નોડલ ઓફિસર શ્રી મહેશભાઈ મહેતા, વાય આઈના ચેરમેન શ્રી જલય પંડ્યા જેવા અનેક મહાનુભાવો, વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.