Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વીજળી પડતા પશુપાલક સહિત ૮૦ બકરાના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો

સુરેન્દ્રનગર,  હાલ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની મોસમ જામી છે. છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામની સીમમાં અચાનક વીજળી પડવાની ઘટના બની હતી.

ગામની સીમમાં ૨૫ વર્ષીય પશુપાલક બકરાઓને ચરાવતો હતો. તે દરમિયાન અચાનક જ વીજળી પડતા પશુપાલક ચેતન ભરવાડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા અંદાજે ૮૦ જેટલા બકરાઓનાં મોત નીપજ્યા હતા.

ધ્રાંગધ્રા તાલુકામાં કમોસમી વરસાદ પડતા વીજળી પડી હતી. ત્યારે મોટી સંખ્યામાં બકરા સહિત પશુપાલકનું મોત નીપજતા સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.ભાવનગર, કચ્છ અને ડાંગમાં વીજળી પડવાથી એક-એક વ્યક્તિના મોત થયાની ઘટનાઓ બની છે.

હવામાન વિભાગ દ્વારા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની આગાહી સાથે લોકોને સાવચેતી રાખવા તથા વરસાદ દરમિયાન બહાર ના નીકળવા તથા ઝાડ નીચે કે વીજળીના થાંભલા પાસે ના ઉભા રહેવાની સલાહ આપવામાં આવી છે. વીજળી પડવાની ત્રણ ઘટના બની છે તેમાં એક વ્યક્તિ વીજળી પડવાથી ઘાયલ પણ થઈ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers