Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે પોલીસ કમિશનર પ્રેમવીર સિંહનું જાહેરનામું

અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક આરોપીઓ દ્વારા તલવાર/છરી/ચપ્પુ/ગુપ્તી/બેઝબોલ/લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરી ખૂન, ખૂનની કોશિષ તેમજ મહાવ્યથાના ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા હોય છે.

આમ, અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ગુનાઓમાં ગેરકાયદેસર હથિયારો દ્વારા અમુક કિસ્સાઓમાં શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોવાનું ધ્યાને આવેલ છે. શહેરમાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ આરોપીઓ ગંભીર ગુનાને અંજામ આપતાં અટકે અને ભયમુકત વાતાવરણ બની રહે,

લોકોના જાનમાલનું રક્ષણ થાય, જાહેર જ્ગ્યામાં ગેર-બંદોબસ્ત અટકે, બિભત્સ ભાષા અને વ્યવહાર તેમજ ઉશ્કેરણીજનક ભાષણોથી સુરૂચિ ભંગ થવાના તેમજ ગુનાહિત કૃત્યો થવાની સંભાવનાને નિવારવા જાહેર જગ્યામાં ગેર બંદોબસ્ત અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે સારૂ આવા હથિયારો તથા આવા કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે. આથી હું પ્રેમ વીર સિંહ, ઇન્ચાર્જ પોલીસ કમિશનર,

અમદાવાદ શહેર, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ના નોટીફીકેશન નં.જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ, તથા ગૃહ વિભાગના તા. ૦૭/૦૧/૧૯૮૯ના સંકલીત જાહેરનામા નં.જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ, અનુસંધાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૭(૧) અન્વયે મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૦૮/૦૫/૨૦૨૩ના કલાક ૦૦/૦૦થી તા.૨૨/૦૫/૨૦૨૩ના કલાક ૨૪/૦૦ સુધી આ કૃત્યો જેમ કે,

(ક) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઇપણ જાતના ચપ્પુ જે અઢી ઇંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળું પાનુ હોય તેવાં ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવાની.

(ખ) કોઇપણ ક્ષયધર્મી ( શરીરને હાનિકારક ) અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની.

(ગ) પથ્થર અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવાની

(ઘ) સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.

(ચ) વ્યક્તિ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની.

(છ) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવા તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા ફેલાવો કરવાથી, સુરૂચિ અથવા પ્રતિષ્ઠા નો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય

અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેવા ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની,દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની ઉપર પ્રતિબંધ ફરમાવું છું:

આ હુકમનો ખંડ (ક) સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીઓએ આવા કોઇપણ હથિયાર સાથે લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેમને અને સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે,

સંગીન વગેરે સાથે રાખવા પડતા હોય તેમને અને પોલીસ કમિશ્નર અથવા અધિકૃત કરેલ હોય તેવા કોઇપણ અધિકારીઓએ જેને શારીરિક અશક્તિના કારણે લાકડી અથવા લાઠી સાથે રાખવાની પરવાનગી આપેલ હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ઇસમ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ.કોન્સ.અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.