Western Times News

Gujarati News

કન્યાદાનનું સ્વપ્ન સેવી રહેલા માતા-પિતાએ બ્રેઇન્ડેડ દીકરીનું અંગદાન કર્યું

મૂળ સુરેન્દ્રનગરની નર્સિંગમા અભ્યાસ કરતી એકની એક વ્હાલસોયી દીકરી કિંજલ બ્રેઇનડેડ થતા માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો.

નર્સ બનીને લોકોની સેવા-સુશ્રુષા કરવી એ અમારા દીકરીનું સ્વપ્ન હતું, મૃત્યુ બાદ પણ જરુરીયાતમંદોને નવજીવન મળે તે શુભ આશયથી અંગદાનનો નિર્ણય કર્યો – અંગદાતા માતા-પિતા

સિવિલ હોસ્પિટલમાં ૧૦૬મું અંગદાન ભાવુક બની રહ્યું – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી

દીકરી વ્હાલનો દરિયો…. માતા-પિતા માટે દીકરી માટેનો વ્હાલ અને વાત્સલ્ય અદ્વિતીય હોય છે…આ નાતો આ બંધન અનુપમ છે. Parents dreaming of marriage of daughter donated organs of their brain dead daughter’s organs

દીકરીના લગ્નમાં માતા-પિતા જ્યારે કન્યાદાન કરે છે ત્યારે તે ક્ષણ જીવનની સૌથી ભાવુક ક્ષણ હોય છે.. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કન્યાદાનથી પણ મોટું દાન કહી શકાય તેવું દીકરીના અંગોનું દાન માતા-પિતાએ કર્યું .

નર્સિંગમા અભ્યાસ કરતી દીકરી બ્રેઇન્ડેડ થતાં માતા પિતાએ અંગદાનનો નિર્ણય કરીને જરુરીયાતમંદોને નવજીવન બક્ષ્યું. સમગ્ર ઘટના એવી છે કે, મૂળ સુરેન્દ્રનગરની ૧૯ વર્ષીય કિંજલબેન મેતાલીયાનુ રોડ એકસીડન્ટ થતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

સતત ૪૮ કલાકની સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડજાહેર કરાયા. સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ દ્વારા તેમના માતા પિતાને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું.

તબીબોએ હાથ ધરેલી અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે.

કિંજલબેનના માતા પિતાએ દીકરીના  અંગોનુ દાન કર્યા બાદ ભાવુક થઈ જણાવ્યું કે, મારી દીકરીએ નર્સિંગમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. તેને એડમિશન પણ મળ્યું .

આ ક્ષણ અમારા જીવનની ખૂબ જ યાદગાર ક્ષણ બની રહી હતી. નર્સ બન્યા બાદ દર્દીઓની સેવા-સુશ્રુષા કરવી તે જ મારી દીકરીના જીવનની અદમ્ય ઈચ્છા હતી.

અભ્યાસ દરમિયાન જ તેનું મૃત્યુ થતાં તેના અંગો થકી પણ કોઈક જરૂરિયાતમંદના જીવનમાં ગુંજારવ પાથરી શકાય તેવા શુભ આશય સાથે અમે અમારી દીકરીના અંગોનું દાન કરી  જનકલ્યાણનો નિર્ણય કર્યો હતો. મારી દીકરીની બે કિડની અને એક લીવરના મળેલા દાન દ્વારા ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે તેનો અમને ગૌરવ છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ૧૦૬ મું અંગદાન અમારા સમગ્ર ટીમ માટે ખૂબ જ યાદગાર અને ભાવુક બની રહ્યું. દીકરીનું કન્યાદાન કરતા માતા- પિતા તો આપણે જોયા છે પરંતુ અકસ્માતમાં દેવલોક પામેલ દિકરી જ્યારે બ્રેઇન્ડેડ જાહેર થાય તો તેના અંગોનું દાન કરવાનો નિર્ણય માતા પિતાએ કર્યો હોય તેઓ અમારા માટે પ્રથમ કિસ્સો હતો. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.