સાબરમતીની ભવ્યતામાં ચાર ચાંદ લગાવશે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ

કોર્પોરેટ પાર્ટી, રિંગ સેરેમની વગેરે ફંક્શન બુક થઈ શકશે
એક મહિનાની અંદર અમદાવાદીઓને મોજ કરાવતી થઈ જશે, સ્વાદના રસિયાઓ માટે બપોરના લંચ તથા સાંજના ડિનરની વ્યવસ્થા ઊભી કરાશેે
અમદાવાદ,
કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવનાર મ્યુનિસિપલ સત્તાવાળાઓ તેના આકર્ષણમાં નિતનવા પ્રોજેક્ટથી વધારો કરી રહ્યા છે. તેમાં પણ ફ્લોટિંગ રેસ્ટોરાં તો લાંબા સમયથી ચર્ચાસ્પદ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ ડ્રીમ પ્રોજેક્ટ હોઈ ખાસ્સી જહેમત બાદ ફ્લોટિંગ રેસ્ટોરાંનો લહાવો અમદાવાદીઓ માણી શકશે. ટૂંક સમયમાં એટલે કે એક મહિના બાદ સાબરમતી નદીની ભવ્યતામાં ફ્લોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝ ચાર ચાંદ લગાવશે. Ahmedabad Sabarmati Cruise Floating Restaurant
છેલ્લાં સાત-આઠ વર્ષથી સાબરમતી નદીનાં વહેતાં નીરમાં તરતી રેસ્ટોરાંમાં બેસીને આસપાસનો નજારો માણતાં માણતાં મનભાવતા ભોજનનો સ્વાદ માણવાનું સ્વપ્ન શોખીન અમદાવાદીઓ સેવી રહ્યા છે. જાેકે હવે બહુ જલદી અમદાવાદીઓનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.
All set to Sail!
The river cruise/floating restaurant you've been waiting for is finally getting ready to welcome you aboard! Set to sail along the Sabarmati River, this river cruise offers a unique dining experience that you won't forget anytime soon.#SabarmatiRiverfront pic.twitter.com/kZ6NxCMpSk— Vinod Kakadiya 🇮🇳 (@KakadiyaVinod) May 4, 2023
છેલ્લે વર્ષ ૨૦૧૯માં ફ્લોટિંગ રેસ્ટોરાંના પ્રોજેક્ટની ફાઇલ પરની ધૂળ ખંખેરાઈ હતી. જે કોરોનાની મહામારીના કારણે પાછી અભરાઈએ ચઢાવી દેવાઈ હતી. ત્યાર બાદ મ્યુનિ. સત્તાધીશોએ વર્ષ ૨૦૨૨માં નવેસરથી કવાયત આરંભી હતી અને દેર સે આયે, પર દુરસ્ત આયેની જેમ ફ્લોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝનો વર્ક ઓર્ડર દસ મહિના પહેલાં અમદાવાદની અક્ષર ટ્રાવેલ્સને અપાઈ ગયો છે.
આ કંપની ફ્લોટિંગ રેસ્ટોરાં ‘ધ રિવર ક્રૂઝ’ને રૂ. ૧૦થી ૧૨ કરોડના ખર્ચે તૈયાર કરી રહી હોવાથી અત્યારે તેમાં એ.સી. ફિટિંગ્સ વગેરે ઇન્ટિરિયરનું કામ ચાલે છે, જે વધુમાં વધુ ૧૫-૨૦ દિવસમાં પૂરું થઈને અન્ય ટેકનિકલ બાબતોને જાેતાં એક મહિનાની અંદર અમદાવાદીઓને મોજ કરાવતી થઈ જશે. સ્વાદના રસિયાઓ માટે બપોરના લંચ તથા સાંજના ડિનરની વ્યવસ્થા ઊભી કરાશે, જેમાં ઉદાહરણ તરીકે એક વ્યક્તિની થાળીની કિંમત જાે રૂ. બે હજાર હશે તો તે વ્યક્તિ મ્યુઝિક સહિતના પર્ફોર્મન્સનો આનંદ લેતાં લેતાં ભોજન માણી શકશે.
આ ફ્લોટિંગ રેસ્ટોરાંનો નીચેનો ભાગ ફુલ્લી એ.સી. હોઈ તેમાં ૫૦ વ્યક્તિઓ બેસી શકશે, જ્યારે ઉપરનો માળ ખુલ્લો હશે. અહીંયાં પણ ૫૦ વ્યક્તિની બેઠક વ્યવસ્થા કરાશે.અમદાવાદીઓ માટે ફ્લોટિંગ રેસ્ટોરાં અમૂલ્ય નજરાણું બનવાનું છે, પરંતુ તેને સાકાર કરવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ તેમજ ઇન્ડિયા રજિસ્ટર શિપિંગ (આઇઆરએસ) જેવી રાજ્ય અને દેશની પ્રસિદ્ધ સંસ્થાઓ પાસેથી સેફ્ટીને લગતી વિવિધ મંજૂરીઓ લેવી પડી છે.
અટલબ્રિજથી ગાંધીબ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરાં દોઢ કલાકનો એક રાઉન્ડ લેશે. લોકો ફ્લોટિંગ રેસ્ટોરાંમાં પ્રવેશી અને તેમાંથી ઊતરી શકે તે માટે સરદારબ્રિજ અને અટલબ્રિજ વચ્ચે નવી જેટી તૈયાર થઈ રહી છે. આ જેટીનું નિર્માણ અન્ય સ્થળે યુદ્ધના ધોરણે થઈ રહ્યું હોઈ સહેલાણીઓ માટે પૂરતા લાઇફ ગાર્ડ અને લાઇફ સેવિંગ જેકેટની પણ વ્યવસ્થા કરાશે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિ. (એસઆરડીએલ) દ્વારા અક્ષર ટ્રાવેલ્સને કુલ ૧૩ વર્ષનો સંચાલનનો કોન્ટ્રાક્ટ અપાયો હોઈ પહેલા વર્ષે કંપની રૂ. ૪૫ લાખની લાઇસન્સ ફી તંત્રને ચૂકવશે, જેમાં દર વર્ષ દસ ટકાની વૃદ્ધિ થતી રહેશે