Western Times News

Gujarati News

મહારાષ્ટ્રની મહિલાના અંગદાનથી અમદાવાદ સિવિલમાં ત્રણ દર્દીઓના જીવનમાં અજવાસ પથરાયો

અંગદાનના સત્કાર્યને સરહદો નડતી નથી ! -અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞની સુવાસ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી

મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદમાં દોહિત્રીને મળવા આવેલા ચિત્રાબેન ચંદેકર માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા : સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત પાંચમાં દિવસે અંગદાન : પાંચ દિવસમાં દર્દીને નવજીવન – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.જેના પરિણામે જ સતત પાંચ દિવસથી દિવસ રાત મહેનતના પરિણામે સતત પાંચ અંગદાન થયા છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા 10 થી 15 દર્દીઓના સગા-સંબંધીઓને અંગદાન અંગેની સમજ, સમજૂતી આપવામાં આવી તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી 5 પરિવારોએ આ સત્કાર્યની સંમતિ દર્શાવી છે.

સિવિલ હોસ્પિટલમા તારીખ 9 મી મે ના રોજ થયેલ 109મા અંગદાનની વિગતો એવી છે કે, મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદમાં પોતાની દોહિત્રીને મળવા આવેલા 43ની વયના ચિત્રાબેન ચંદેકર અમદાવાદ થી મહેમદાબાદ પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનું વાહન સ્લીપ થઇ જતા તેઓ ઢળી પડ્યા. માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ. માથાના ભાગમાં અતિગંભીર ઇજાના પરિણામે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલમાં 24 કલાકની સધન સારવારના અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. બ્રેઇનડેડ જાહેર કરાતા હોસ્પિટલના કાઉન્સેલર્સે પરિવારજનોને અંગદાનની અગત્યતા સમજાવી.અંગદાનની સમજ મેળવીને પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું નક્કી કર્યું.

આમ આ નિર્ણય બાદ જ્યારે ચિત્રાબેનના અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે 7 થી 8 કલાકની મહેનતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ 109મા અંગદાન વિશે જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞની સુવાસ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી છે.કહેવાય છે ને કે,સત્કાર્યને કોઇ સરહદ નડતી નથી તેવી જ રીતે અંગદાન કરવા માટે પણ આ સીમાડાઓનું કોઇ બંધન નથી.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલ અંગદાનની જાગૃકતા હવે ફક્ત ગુજરાત પૂરતી સીમિત ન રહીને અન્ય રાજ્યોમાં પણ પ્રવર્તી છે. જેના પરિણામે જ આ દર્દી મૂળ મહારાષ્ટ્રના હોવા છતા તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજીને ગણતરીની મીનિટોમાં અંગદાનનો નિર્ણય કર્યો છે.

અંગદાનની જાગૃકતા માટે સેવારત શ્રી દિલિપ દેશમુખ(દાદા) તેમજ સેવાભાવી સંસ્થાઓ અને મીડિયાના સહિયારા પ્રયાસોના પરિણામે સમાજમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં લગોલગ પાંચ અંગદાનમાં સફળતા મળી છે. આ પાંચ અંગદાતાઓના મળેલા 15 અંગોના પરિણામે 15 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.