Western Times News

Gujarati News

આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે

રાજ્યમાં આજથી તાપમાન ઘટવાનું શરૂ થશે-૪૨થી ૪૪ ડિગ્રીની આસાપાસ તાપમાન રહી શકે છે

અમદાવાદ,  હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતવાસીઓ માટે આંશિક રાહતના સમાચાર છે. રાજ્યમાં ક્રમશઃ ગરમીની તીવ્રતામાં ઘટાડો થશે. હવામાન વિભાગની ગરમીમાં રાહત આપતી આગાહી સામે આવી છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે.

અમદાવાદમાં ૧૫, ૧૬ મેએ યલો એલર્ટ રહેશે. રાજ્યમાં ૨૪ કલાક બાદ તાપમાન ઘટવાનું શરૂ થશે. રાજ્યમાં ૨૪ કલાક બાદ ૨થી ૪ ડિગ્રી પારો ઉતરી શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. જ્યારે ગુજરાતમાં ૪૨થી ૪૪ ડિગ્રીની આસાપાસ તાપમાન રહેવાની શક્યતા છે.

તેમણે જણાવ્યું હતું કે, ગઇકાલે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૪.૭ ડિગ્રી નોંધાયું હતું. સાથે જ હિટવેવ અંગે તેમણે જણાવ્યું કે, આજથી હિટવેવ માટે હિટ એલર્ટ આપવામાં આવ્યું નથી. ઉપરાંત ગઇકાલે દીવ અને કચ્છમાં હિટવેવનો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, આગામી પાંચ દિવસ ૨થી ૪ ડિગ્રી તાપમાન ઘટી શકે છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ૪૩થી ૪૪ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. સાથે જ અમદાવાદમાં એક દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જે બાદ બે દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમી પડવાની છે. ૧૫થી ૧૬ મેના ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. આંધી વંટોળનું પ્રમાણ વધશે. તેમજ કૃતિકા નક્ષત્ર સમુદ્રમાં હલચલ કરાવે છે. તેના કારણે પવનની ગતિ વધે છે અને બાષ્પીભવન પ્રકિયા વધશે.

અરબ દેશોમાંથી પાકિસ્તાનની ઉપર થઇ ઘૂળ ગુજરાત તરફ આવશે અને ઘૂળનું પ્રમાણ વધશે. ગુજરાતમાં આંધી વંટોળ જાેવા મળશે. જે ચોમાસાના લક્ષણ દ્રષ્ટીગોચર થાય છે. ગુજરાતમાં મે મહિનામાં પ્રી-મોનસુન એક્ટિવિટી થતી હોય છે. જેના કારણે વરસાદ પણ આવે છે. ત્યારે ૨૨થી ૨૪માં પણ પ્રી-મોનસુન એક્ટિવિટી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.