Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

73 લાખની કિંમતનું જીરું ભરેલી ટ્રક ઉઠાવી ગયેલા બે ઝડપાયા

બે ઈસમો ડ્રાઈવર અને કલીનરને માર મારી તેનો સામાન અને જીરૂ ભરેલ ટ્રકની લુંટ કરીને નાસી ગયા હતા

કચ્છ,  કચ્છમાંથી લાખોની કિંમતના જીરૂ સાથે ભરેલી ટ્રકની લુંટ કરવામાં આવી હતી. જે કેસમાં લુંટ કરવામાં આવેલા જીરૂ, ટ્રક સાથે બે આરોપીને જામનગરની પોલીસે પકડી પાડ્યો છે. જેમાં કુલ કિંમત રૂપિયા ૭૩ લાખના મુદામાલ જપ્ત કર્યો છે.

જીરૂની લુંટ કરીને આરોપીએ જામનગરના મસીતીયા ગામે કાકાની વાડીમાં લુંટનો માલ રાખ્યો હતો. પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી. જે દરમ્યાન કાકા-ભત્રીજા સાથે લુંટ કરાયેલ માલને જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે.

જામનગરના વેપારીએ મોરબીના યાર્ડના અન્ય વેપારી પાસેથી ૫૪૦ ગુણી જીરૂની ખરીદી કરી હતી. જાે કે આ જીરૂના જથ્થાને ગાંધીધામ પહોંચાડવાનું ફોન પર જાણ કરાતા કિંમતી જીરૂને ટ્રકમાં મોકલ્યો હતો. જીરૂ ભરેલ ટ્રક લઈને નિકળેલ ટ્રક ડ્રાઈવર રાત્રીના આરામ કરતા હતા,

જે દરમ્યાન બે ઈસમો ડ્રાઈવર અને તેની સાથે રહેલા કલીનરને માર મારી તેનો સામાન અને જીરૂ ભરેલ ટ્રકની લુંટ કરીને નાસી ગયા હોવાની ઘટના બની હતી. જે બાદ પોલીસે આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી હતી.

લાંબી કાર્યવાહી બાદ પોલીસને માલૂમ પડ્યું હતું કે ટ્રક જામનગરના મસીતીયામાં રાખવામાં આવ્યો છે. જામનગર પોલીસને લુંટ કરેલો ટ્રક અને કિંમતી જીરૂની જાણ થતા ટ્રકને શોધીને જપ્ત કર્યો હતો.

મહત્વનુ છે કે સાથે આ કેસમાં સામેલ કાકા-ભત્રીજાની પણ અટકાયત કરીને તેમની સામે કાર્યવાહી કરી હતી. પોલીસે આબાદીન ઓસમાણ ખફી , ગફાર આમદ ખફીની અટકાયત કરેલ છે. અન્ય ત્રણ આરોપીઓ પોલીસની તપાસમાં નામ ખુલ્યા છે.

જે તમામને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે. કુલ પાંચ લોકો સાથે મળીને જીરૂના જથ્થાની લુંટ કરી હતી. પોલીસે લુંટાયેલ ટ્રકન સહીતનો કામ માલ જપ્ત કર્યો છે. તેમજ ગુના માટે ઉપયોગમા લેવામાં આવેલ સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે.

હાલ જીરૂના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે જીરૂની ચોરી, લુંટ જેવા બનાવ સામે આવી રહ્યા છે. કુલ ૫૩૯ ગુણી ભરેલ ટ્રકને મસીતીયાથી પોલીસે પકડી પાડ્યો હતો જે કેસમાં આબેદીન ઓસમાણ ખફી અને ગફાર આમદ ખફીને અટકાયત કરીને કાર્યવાહી કરી છે. અન્ય ત્રણ આરોપી હજી પણ ફરાર છે. જેને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં કુલ રૂપિયા ૬૨ લાખની કિંમતનુ જીરૂ, ટ્રક અને સ્કોર્પિયો મળીને કુલ ૭૩ લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરેલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers