Western Times News

Gujarati News

અકસ્માતને કારણે બ્રેઇનડેડ થયેલા મેરૂભાઇના અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ૧૧૦ મુ અંગદાન-છેલ્લા અઢી વર્ષમાં થયેલ ૧૧૦ અંગદાન થકી ૩૩૧ વ્યક્તિઓને નવજીવન મળ્યું – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લના માતર તાલુકાના વતની મેરૂભાઇ વણઝારા બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.  Merubhai, who was brain dead due to an accident, revived three people with his organ donation

સમગ્ર ઘટના એવી છે કે, 13 મી મે ના રોજ મેરૂભાઇ વણઝારાને પ્રવાસ દરમિયાન માર્ગ અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજાની અસરો વધુ ગંભીર બનતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી. સ્થિતિ ગંભીર જણાતા તેઓને આઇ.સી.યુ.માં દાખલ કરીને સમગ્ર ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. ૪૮ કલાકની ભારે જહેમત બાદ પણ તેઓને બચાવવામાં નિષ્ફળતા મળી. તબીબોએ ૧૫ મી મે ના રોજ મેરૂભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા.

બ્રેઇનડેડ જાહેર કર્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા કાર્યરત SOTTO(State Organ Tissue And Transplant Organisation) ની ટીમ દ્વારા તેમના પરિવારજનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલના અંગદાતાઓની યાદમાં નવનિર્મિત અમર કક્ષમાં પરિવારજનોને બેસાડીને તેઓને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. જેની અસર એવી થઇ કે પરિવારજનોએ ગણતરીની મીનિટોમાં જ મેરૂભાઇનું અંગદાન કરીને જરૂરિયાતમંદોને નવજીવન આપવાનું નક્કી કર્યું.

અહીં જોવા જેવી બાબત એ છે કે, ગમખ્વાર અકસ્માતમાં એક ભાઇએ જીવ ગુમાવ્યો ત્યારે બીજા ભાઇએ  અંગદાનનો હિતકારી નિર્ણય કરીને જરૂરિયાતમંદને મદદરૂપ થવાનું અને વણઝારા પરિવારનો દિપ અન્ય પરિવારોમાં પ્રજવલ્લિત રહે તેવા પ્રયાસો હાથ ધર્યા.

અંગદાનની સંમતિ મળ્યા બાદ ટીમ દ્વારા બ્રેઇનડેડ મેરૂભાઇને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જઇને પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ૫ થી ૬ કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કે.ડી.હોસ્પિટલમા દાખલ દર્દીમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ  કરવામાં આવ્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ ૧૧૦ મું અંગદાન છે. છેલ્લા અઢી વર્ષમાં ૧૧૦ અંગદાતાઓના અંગદાન થી ૩૫૬ અંગો મળ્યા છે. જેમાં ૧૮૮ કિડની, ૯૫ લીવર, ૩૨ હ્રદય, ૬ હાથ, ૨૪  ફેફસા, ૨ નાના આંતરડા અને ૯૨ કોર્નિયાનો સમાવેશ થાય છે.જેને ૩૩૧ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.