Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી

ચિંતન શિબિર ના પ્રથમ દિવસના અંતે  લોકમાતા નર્મદાની  સંધ્યા આરતી નો લ્હાવો લેતા મુખ્ય મંત્રીશ્રી  

ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની કામના માં નર્મદા સમક્ષ કરી-શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તા.૧૯ થી ૨૧ મે દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની ૧૦મી ચિંતન શિબિર યોજાઈ રહી છે.

આ શિબિર ના પ્રથમ દિવસને અંતે સંધ્યા કાળે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ  રેવા  તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતી કરવા  સાથે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક કામના કરી હતી.

ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી.

આ વેળાએ નર્મદા નદીમાં વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી હતી.

આમ, પ્રથમ દિવસની ચિંતન શિબિરના વિવિધ કાર્યક્રમો બાદ સંધ્યા ટાણે  મુખ્યમંત્રીશ્રી સહિત “ટીમ ગુજરાત”એ ગોરા ઘાટ ખાતે યોજાતી નર્મદા મૈયાની  દૈનિક આરતીનો આસ્થાપૂર્વક ધર્મલાભ મેળવ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers