Western Times News

Gujarati News

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ નજીક પ્રેમીને માર મારી સગીરા પર સામૂહિક બળાત્કાર

અમદાવાદ: વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં ફિયાન્સને માર મારી બે નરાધમો દ્વારા ૧૪ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતાં સંસ્કારીનંગરી વડોદરામાં ભારે ચકચાર મચી ગઇ છે. તો બીજીબાજુ, વડોદરાવાસીઓ આરોપી નરાધમો પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. સમગ્ર બનાવ મામલે રાવપુરા પોલીસે પીડિતાના વર્ણનના આધારે બંને આરોપી શખ્સોના સ્કેચ જાહેર કર્યાં છે.

પોલીસે ઘટનાને લઇ જરૂરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીરા પર દુષ્કર્મની ઘટના બાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં પીડિતાના સ્વજનો અને સ્થાનિ લોકોના ટોળા પહોંચ્યા હતા અને આરોપીઓને તાત્કાલિક પકડી સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં ગત રાત્રે આઠ વાગ્યાની આસપાસ ૧૪ વર્ષની સગીરા તેના ફિયાન્સ સાથે સાથે ફરવા માટે ગઇ હતી.

તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો ત્યાં પહોંચી ગયા હતા અને સગીરા સાથે બેઠેલા ફિયાન્સને માર્યો હતો અને શખ્સો યુવતીને ઝાડીઓમાં લઇ ગયા હતા. ફિયાન્સે અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંધારૂ હોવાથી તે અંદર જઇ શક્યો નહોતો. જેથી યુવાને બૂમાબુમ કરી મૂકી હતી. પરંતુ ત્યાં કોઇ ન હોવાથી તેની મદદે કોઇ આવ્યું નહોતું. જેથી યુવાન મદદ માટે રોડ તરફ ગયો હતો. જ્યાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ વાનના પોલીસ કર્મીઓને તેને જાણ કરી હતી.

જેથી પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ અંધારૂ હોવાથી યુવતીને શોધવી મુશ્કેલ હતી. જેથી પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરીને વધારે પોલીસ સ્ટાફ બોલાવ્યો હતો. બાદમાં સિનીયર અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ યુવતી મળી આવી હતી.
જા કે, આ પહેલાં જ બંને શખ્સોએ મોઢુ દબાવીને વારાફરથી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીને માર પણ માર્યો હતો. એટલું જ નહી, યુવતીના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સગીરાને મેડિકલ તપાસ માટે હાલ સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ છે. પોલીસે સગીરાની ફરિયાદના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પીડિતાએ આપેલા વર્ણન પ્રમાણે એક આરોપી વાંકડીયા વાળવાળો હતો. તેને ચેક્સવાળુ શર્ટ પહેર્યું હતું અને સિગારેટ-બીડી પીતો હતો. તે પીધેલો ન હતો, પણ ખુબ જ એરોગન્ટ હતો. તેની પાસે જાડી લાકડી હતી.

જ્યારે બીજો આરોપી દાઢીવાળો હતો. તેને બ્લુ કોલર વાળી લાઇટ રેડ-પિંક જેવી બે બટનવાળી ટી-શર્ટ પહેરી હતી. પીધેલો હોય તેવી સ્મેલ આવતી હતી. તેની પાસે એક પાતળી લાકડી હતી. બંને આરોપીઓએ પાંચથી દસ મીનીટ સુધી નવલખી ગ્રાઉન્ડ પર જ મોબાઇલ વાપર્યો હતો. જેથી પોલીસે હવે આરોપીઓના મોબાઇલના લોકેશન અને આ વિસ્તારના સીસીટીવી ફુટેજ સહિતની કડીઓના આધારે આરોપીઓની શોધખોળ આદરી છે. જા કે, આ બનાવને પગલે સંસ્કારીનગરી વડોદરામાં ભારે ચકચાર મચી ગઇ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.