Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

માતા-પિતાને મારવાના કિસ્સાઓ વધી રહ્યા છે! જાણો આ છે કારણ

નશો કરવાના રૂપિયા ન આપતાં માતા-પિતાને દીકરાએ સતત બે દિવસ માર્યાં -બાપુનગરનો કિસ્સોઃ સંબંધીઓની વિનંતીને માન્ય રાખીને માતા-પિતાએ ફરિયાદ કરવાની ટાળી છતાં બીજા દિવસે પણ માર પડ્યો

અમદાવાદ, માતા-પિતા પોતાના સંતાનને ક્યારેય દુઃખી જાેઈ શકતા નથી. સંતાનને કંઈપણ તકલીફ થાય તો માતા-પિતા ચિંતમાં મૂકાઈ જાય છે. દીકરાને કંઈપણ જાેઈતું હોય, તો કોઈપણ ભોગે માતા-પિતા તેની ફરમાઈશ પૂરી કરે છે. એ જ સંતાન મોયા થઈને માતા-પિતાના ઉપકારનો બદલો અપકારથી ચૂકવે તો શું થાય.

અમદાવામદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં નશો કરવા માટે રૂપિયા ન આપતા દીકરાએ સતત બે દિવસ સુધી માતા-પિતાને ઢોર માર મારીને ધમકી આપી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

બાપુનગરમાં રહેતા ૬૮ વર્ષીય જયંત મહિડાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જયંતભાઈનો દીકરો મેક્સવેલ કોઈ કામ ધંધો કરતો ન હતો. એક દિવસ જયંતભાઈ અને તેમના પત્ની ઘરે હાજર હતા ત્યારે મેક્સવેલ બહારથી ઘરે આવ્યો હતો. મેક્સવેલે માતા પાસે નશો કરવા માટે પૈસા માગ્યા હતા, જેથી માતાએ દીકરાને પૈસા આપવાની ના પાડી હતી.

આ દરમિયાન દીકરાએ માતાને લાફો મારી દીધો હતો. જયંતભાઈ પત્નીને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે દીકરાએ તેમને પણ માર માર્યો હતો. દીકરાએ ઢોર માર માર્યો હોવા છતાં પણ ઘરના સભ્યો અને સગા સંબંધીઓએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી હતી અને જયંતભાઈ તથા તેમના પત્નીએ આ વાત માની લીધી હતી.

ગઈ કાલે મેક્સવેલ ફરીથી એકવાર ઘરે આવીને વ્યસન માટે પૈસા માગ્યા હતા. પરંતુ તેના માતા-પિતાએ પૈસા આપવાની સાફ ના પાડી હતી. આથી નારાજ થયેલા મેક્સવેલે માતા-પિતાને ફરીથી મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જયંતભાઈને આખરે આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલાં જ આવા જ એક અન્ય બનાવમાં શહેરના સૈજપુર બોઘા નજીક નશેડી પુત્રએ માતા-પિતા ઉપર હુમલો કર્યો હતો અને નશો કરવા માટે ઘરમાંથી ચોરી પણ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers