Western Times News

Gujarati News

અમિત શાહે NFSUના ગુવાહાટી કેમ્પસનું ઉદ્‌ઘાટન કર્યું

અમદાવાદ, શ્રી અમિત શાહ, માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રીએ મોલોંગ, કામરૂપ ખાતે NFSUના સ્થાયી  કેમ્પસનો શિલાન્યાસ અને આસામના ગુવાહાટીમાં NFSUના અસ્થાયી કેમ્પસનું ઉદ્‌ઘાટન કર્યું. શ્રી અમિત શાહે NFSU દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

આસામમાં ફોરેન્સિક સાયન્સની ક્ષમતા નિર્માણ માટે આસામ સરકાર અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) વચ્ચે દ્વિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે સમજૂતી કરારની આપ-લે શ્રી નિરજ વર્મા, અગ્ર સચિવ, ગૃહ અને રાજકીય વિભાગ, આસામ સરકાર દ્વારા અને ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ, NFSU વચ્ચે થઈ હતી. NFSU આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪થી ગુવાહાટી ખાતેના અસ્થાયી કેમ્પસમાં અભ્યાસક્રમો શરૂ કરશે.

શ્રી અમિત શાહ, માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી; શ્રી ડૉ. હિમંતા બિસ્વા શર્મા, આસામના માનનીય મુખ્યમંત્રી; શ્રી ચંદ્ર મોહન પટોવારી, પર્યાવરણ મંત્રી, લઘુમતી કલ્યાણ વિભાગ, આસામ સરકાર; શ્રી શ્યામલ મિશ્રા, અધિક ગૃહ સચિવ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર; પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU , શ્રી પબન કુમાર બોરઠાકુર, મુખ્ય સચિવ, આસામ સરકાર સહિત સ્થાનિક લોકો શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર, ગુવાહાટી ખાતેના સભાગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, NFSUનું ૫૦ એકરનું ગુવાહાટી કેમ્પસ માત્ર આસામ પૂરતું જ સીમિત નહીં રહે, પરંતુ પૂર્વોત્તર રાજ્યોથી માંડી ઇન્ડોનેશિયા, નેપાળ, મ્યાનમારના પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવશે. ફોરેન્સિક્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે ઉજળી તકો રહેલી છે અને ભવિષ્યમાં પણ તેમની ખૂબ માંગ રહેશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ, પદ્મશ્રી, ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, NFSUએ યુગાન્ડામાં પોતાના પ્રથમ વિદેશી કેમ્પસની સ્થાપના કરીને એક ઇતિહાસ રચ્યો છે. ભારતમાં ગુવાહાટી (આસામ) ખાતે NFSUનું આ ૧૦મુ કેમ્પસ છે. ફોરેન્સિક સાયન્સ અને સંલગ્ન વિષયોના ક્ષેત્રોમાં વ્યાવસાયિક ફોરેન્સિક શિક્ષણ, સંશોધન અને વિકાસ, કન્સલ્ટન્સી, તાલીમ વગેરે આપવાના ઉદ્દેશ્ય સાથે યુનિવર્સિટી નવા કેમ્પસની સ્થાપના કરી રહી છે.

પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-NFSU-ગાંધીનગર; ડો.એચ.કે. પ્રતિહારી, કેમ્પસ ડિરેક્ટર, NFSU-ત્રિપુરા; પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડિરેક્ટર, NFSU-દિલ્હી અને શ્રી ડી.પી. છાયા, કુલપતિશ્રીના સલાહકાર, NFSU પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.