Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આંગડીયા પેઢીના ૫૦ લાખ રૂપિયાની લૂંટ કરનાર ૨ આરોપીઓ ઝડપાયા

નવરંગપુરા ખાતેની “આર. અશોક” આંગડીયા પેઢીના ૫૦ લાખ રૂપિયાની લૂંટ કરનાર ૨ આરોપીઓને રોકડા રૂપિયા ૩૫ લાખ સાથે અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. 

આશરે એક મહિના પહેલા બનેલી 50 લાખની લૂંટની ઘટનામાં પોલીસને 35 લાખ રોકડા મળ્યા છે. બાકીના રૂપિયા આરોપીઓએ ક્યાં વાપર્યા તેમજ બીજા કોઈ આ લૂંટમાં શામેલ છે કે નહિં તે અંગેની તપાસ કરવામાં આવશે.

28-04-2023 ના શુક્રવારના રોજ સાંજે ૪.૩૫ વાગ્યે સી.જી.રોડ  બોડીલાઈન ચાર રસ્તા થી આગળ સુપર મોલ પાસે બનેલી ચિલઝડપની ઘટનાએ શહેર પોલીસ દોડતી કરી દીધી હતી. નવરંગપુરા પંજાબી હોલ પાસે સુર્વણ કલા કોમ્પ્લેક્ષમાં આવેલા આર.અશોક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૫૦ લાખની લૂંટ ચલાવી પ્લસર બાઈક પર આવેલા બે લૂંટારૂ ફરાર થઈ ગયા હતા.

એક્ટિવાની આગળ રૂપિયા ભરેલો થેલો મુકી પેઢી પર પરત ફરતા કર્મચારી કંઈ સમજે તે પહેલા બાઈક પર સવાર આરોપીઓએ ચાલુ વાહને બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. નવરંગપુરા પોલીસે આંગડિયા પેઢીના કર્મચારીની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

નારણપુરામાં સોલા કોમ્પ્લેક્ષ પાસે પ્રતિક્ષા એપાર્ટમેન્ટમાં રહેતાં અને આર.અશોક આંગડિયા પેઢીમાં છેલ્લા આઠ વર્ષથી નોકરી કરતા વિરેન્દ્રકુમાર પોપટલાલ દવે (ઉં,૫૭)એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પ્લસર બાઈક પર સવાર બે અજાણ્યા શખ્સો સામે ગુનો ફરિયાદ નોંધાવી  હતી.

બનાવની વિગતો મુજબ શુક્રવારે સાંજે ૪ વાગ્યે ફરિયાદીને પેઢીના માલીક રાકેશ ઉમેદભાઈ પટેલે  સી.જી.રોડ પર ઈસ્કોન આર્કેડમાં આવેલી આસીલ આંગડિયા પેઢીમાંથી એક કરોડ રૂપિયા લઈ આવવા માટે જણાવ્યું હતું. આસીલ આંગડિયા પેઢી પર પહોંચી ફરિયાદીએ એક કરોડ રૂપિયા લીધા હતા.

જેમાં ૫૦૦ના દરના ૧૯૪ બંડલ અને ૧૦૦ના દરના ૩૦ બંડલ હતા. આ દરમિયાનમાં માલીક રાકેશભાઈએ ફોન કરી રૂ.૫૦ લાખ વી.પટેલ આંગડિયા પેઢીમાં આપવા જણાવતા ફરિયાદીએ આસીલ પેઢીમાં વી.પટેલના માણસને મોકલી આપવા જણાવ્યું હતું. વી.પટેલ આંગડિયા પેઢીનો માણસ મિત રૂબરૂ આસીલ આંગડીયા પેઢી પર આવ્યો અને ફરિયાદી પાસેથી રૂ.૫૦ લાખ લઈ ગયો હતો.

સાંજે ૪.૩૦ વાગ્યે ફરિયાદી વિરેન્દ્રકુમાર બાકીના ૫૦ લાખ મિલિટ્રી કલરની બેગમાં મુકીને એક્ટિવા પાસે આવ્યા હતા. રૂપિયા ભરેલી બેગ એક્ટિવાની આગળ મુકી પેઢી પર આવવા નિકળેલા વિરેન્દ્રકુમાર બોડીલાઈન ચાર રસ્તા થઈ સુપર મોલ પાસે સાંજે ૪.૩૫ વાગ્યે પહોંચ્યા હતા.

તે સમયે બ્લેક પ્લસર પર આવેલા ૨૫ થી ૩૦ વર્ષની ઉમંરના બે યુવકો વિરેન્દ્રકુમારની એક્ટિવાની નજીક બાઈક લઈ આવ્યા હતા.બાઈકની પાછળ બેઠેલા યુવકે એક્ટિવાની આગળ મુકેલી બેગ અચાનક ઉઠાવી અને આંખના પલકારામાં આરોપી ગાયબ થઈ ગયા હતા.

ફરિયાદીએ બૂમાબૂમ કરી આરોપીઓનો પીછો કર્યો પણ તેઓ મળી આવ્યા ન હતા. બનાવની જાણ વિરેન્દ્રકુમારે પેઢીના માલિક રાકેશભાઈને કરી હતી. રાકેશભાઈએ નવરંગપુરા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers