ડાંગની બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના તાલીમાર્થીઓ વ્યારાની મુલાકાતે
વ્યારા: સમાજના શિક્ષિત યુવક/યુવતીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડી, તેમને રોજગારી કે સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત કરવાનું અભિયાન ચલાવતા, ડાંગ જિલ્લાના બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, આહવા દ્વારા વર્ષભર નિતનવા તાલીમી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જે મુજબ હાલમાં આ સંસ્થામાં ચાલી રહેલા જી.એસ.ટી.ના તાલીમ વર્ગમાં તાલીમ લઈ રહેલા ૨૦ જેટલા તાલીમાર્થીઓને, ફિલ્ડ વિઝિટના ભાગરૂપે, વ્યારાના પ્રવાસે લાવવામાં આવ્યા હતા.
સંસ્થાના ડાયરેકટર શ્રી વિષ્ણુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભ્યાસ પ્રવાસ દરમિયાન, ડાંગ જિલ્લાના આ તાલીમાર્થીએ વ્યારાના ચાર્ટર એકાઉન્ટન્ટ શ્રી બાલ ભદ્રની ઓફિસ સહિત, પાનવડી સ્થિત જિલ્લા સેવા સદન ખાતે આવેલી, રાજ્ય સરકારની સેલ ટેક્ષ ઓફિસની પણ જાતમુલાકાત લીધી હતી.
તાલીમાર્થીઓની આ મુલાકાત દરમિયાન ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ શ્રી રોનીત ગામીત, તથા જી.એસ.ટી. સહાયક શ્રી દીપકભાઈ માળીએ, તાલીમાર્થીઓ સાથે રહી આનુસાંગિક વ્યવસ્થાઓ સંભાળી હતી.