Western Times News

Gujarati News

દહેજમાં ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ ૧૦૦ MLD ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન:મુખ્યમંત્રી

ભરૂચ:  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ૧૬૦૦ કિ.મી.લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઈ ખારા પાણીનો ઉદ્યોગો-ખેતી-પીવાના પાણી તેમજ અન્ય વપરાશ માટે ઉપયોગ કરવા રાજ્યમાં ખારા પાણીને શુદ્ધ પાણીમાં રૂપાંતર કરતા આઠ ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.
રાજ્યમાં આગામી સમયમાં આવા પ્લાન્ટ કાર્યરત થતાં ખેતી સહિત પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે, એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે અંદાજે રૂ.૮૮૧ કરોડના ખર્ચે આકાર પામનાર ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ ૧૦૦ MLD ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું.

દહેજ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન ૪૫૪ MLD પાણી પુરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતનો પૂર્ણત: વિકાસ થતાં ૧૦૦૦ MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે. આ જરૂરિયાતને પહોંચી વળવાના હેતુસર ઉદ્યોગો માટે જરૂરી પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીના શુધ્ધીકરણથી તેને ઉપયોગયુક્ત બનાવવા માટે ૧૦૦ MLD ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ દહેજમાં આગામી ત્રીસ માસમાં નિર્માણ થશે.આ ડિસેલિનેશન પ્લાન્ટ ૨૫ હેક્ટર વિસ્તારમાં આકાર પામશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં કુલ ૫૫૫ MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે.આ ડીસેલિનેશન પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે.જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત પાસે લાંબો દરિયા કિનારો છે. આટલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને ગુજરાતનો પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ કરીને જળ સલામતી પુરી પાડી ગુજરાતને સશક્ત, સમૃધ્ધ અને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

તેમણે ભારત સરકાર દ્વારા આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તામિલનાડુ અને ગુજરાતના દહેજ ખાતે પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈન્વેસ્ટ (PCPIR) જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી દહેજ PCPIR દેશમાં સૌથી ઝડપી વિકસતું રીજીયન છે તેમ પણ ગૌરવ સહ જણાવ્યું હતું.રાજ્ય સરકારની પારદર્શી ઔદ્યોગિક નીતિને પરિણામે દહેજ PCPIRમાં એક લાખ કરોડથી વધુ મૂડી રોકાણ થયું છે. ગુજરાત સહિત દેશ-વિદેશની આંતરરાષ્ટ્રીય કંપનીઓ દહેજમાં પોતાના એકમો સ્થાપિત કરી રહી છે, જેને પરિણામે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે.

વિજયભઈ  રૂપાણીએ ગુજરાત ઔદ્યોગિક ઉત્પાદન, સેવાક્ષેત્ર, પેટ્રોલિયમ પ્રોડક્ટસ, ઓર્ગેનિક કેમિકલ, પ્લાસ્ટિક રો-મટીરીયલ્સ, કૃષિ વિકાસ, ડાયઝ એન્ડ કેમિકલ વિકાસ, ફાર્માસ્યુટીકલ, લોજિસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.૨૦૧૭-૧૮ ના વર્ષમાં કૃષિક્ષેત્રે GDP માં ગુજરાતનો ૧૯ ટકા, GSDP માં ૨૦.૪ ટકા હિસ્સો ગુજરાતનો છે. મેન્યુફેકચર ક્ષેત્રે ૨૭ ટકા જ્યારે GSDP માં ગુજરાતનો ૪૪ ટકા હિસ્સો છે. ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં અગ્રેસર રહી ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વ પુરૂ પાડી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું.


ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં GIDC ની મહત્વની ભૂમિકા રહી છે. MSME ક્ષેત્રે પણ ગુજરાતમાં વિપુલ તકો રહેલી છે. GIDC દ્વારા ઉદ્યોગગૃહોને પાયાની અને આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે તેમ પણ ઉમેર્યું હતું.GIDC દ્વારા આગામી સમયમાં ઉદ્યોગોના નાના-મોટા પ્રશ્નો હલ કરવા માટે સંવાદ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે GIDCની પડતર જમીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે ફાળવવાની પણ જાહેરાત તેમણે કરી હતી.

સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદ્યોગોના સમુચિત વિકાસ માટે પ્રતિબધ્ધ છે.રાજ્યમાં ઉદ્યોગગૃહોને સિંગલ વિન્ડો દ્વારા એક જ સ્થળેથી પરવાનગીઓ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દહેજ PCPIR ઝડપથી વિકસી રહ્યું છે.તેમણે પર્યાવરણની જાળવણી સાથે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાત સમગ્ર દેશનું વિકાસ મોડેલ બન્યું છે. રાજ્યમાં ઉદ્યોગોને ઉત્તેજના આપવા નવી ૧૬ GIDCની સ્થાપના કરવામાં આવી છે.દહેજ PCPIRમાં ૧.૮૦ લાખ લોકોને રોજગારી મળી રહી છે. આગામી સમયમાં ૭ લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રારંભમાં સૌને આવકાર કરતાં GIDCના એમડી એમ. થેન્નારસને જણાવ્યું કે, દહેજ PCPIRમાં હાલમાં ૧૮૦ યુનિટ કાર્યરત છે.GIDC દ્વારા દહેજ PCPIRમાં પાયાની અને આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રૂ.૧૬ હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.દહેજ PCPIRમાં આગામી સમયમાં વધુ બે એસ્કેપ સહિત ૧૨૦ અને ૧૫૦ મીટરના નવિન રસ્તાઓનું નિર્માણ કરાશે. દહેજ PCPIR માં ઔદ્યોગિક એકમોની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ૧૦૦ MLD નો ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

એલ એન્ડ ટી દ્વારા રૂ.૫ લાખ અને દિપક ફર્ટીલાઈઝર દ્વારા રૂ.૧.૧૧ લાખ નો ચેક મુખ્યમંત્રી કન્યા કેળવણીનિધિ માટે મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ અવસરે ધારાસભ્યો સર્વ.દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા,કનુભાઈ દેસાઈ,પદાધિકારીઓ, ઈન્ડસ્ટ્રીઝ અને માઈન્સ વિભાગના અગ્ર સચિવ એમ.કે.દાસ, કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયા,જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન,જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા,GIDCના નાયબ ઈજનેર ગામિત સહિત ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ તથા વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહયો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.