Western Times News

Gujarati News

ગુજરાતમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદે વિનાશ વેર્યો

અમદાવાદ, સાઈક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે રવિવારે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. Rains accompanied by storms wreaked havoc in Gujarat

ભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેકઠેકાણે વૃક્ષો પડવાના, હોર્ડિંગ્સ તૂટવાના બનાવો સામે આવ્યા છે. આજે ગુજરાતના ૧૦૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજયમાં ભારે વરસાદના પગલે ઠાસરામાં એક દંપતીનું મોત નીપજયું હતું આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ વીજળી પડતાં એક યુવાન ખેડૂતનું પણ મૃત્યુ નીપજયું હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત ઝાડ પડવા સહિતની ઘટનાઓમાં કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. વડોદરામાં જીવતો વાયર પડતા કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે.

દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાયું છે, જેની અસરથી આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ૪૦થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

રવિવારે  વહેલી સવારથી જ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર,સાબરકાંઠા, અરવલ્લી સહિતના પંથકમાં વીજળીના કડાકાભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા પણ પડ્યા હતા. ભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેકઠેકાણે વૃક્ષો પડવા અને જાહેરાતોના હોર્ડિંગ્સ તૂટવા અને કાચ તૂટ્યાના બનાવો સામે આવ્યા છે.

જ્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના શાહપુરમાં બાઈક પર જતાં દંપતી પર વૃક્ષ પરતાં બંનેના મોત થયા હતા. અમદાવાદમાં ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતા અને ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં એકદમ ઠંડક ફેલાઈ ગઈ હતી.

વડોદરા શહેરની સાથે જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. અનેક ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હોવાના અહેવાલ છે. છેલ્લા બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે વહેલી સવારે શહેરમાં સરેરાશ ૭૦થી ૮૦ કિલો મીટરની ઝડપે ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો.

પ્રચંડ વાવાઝોડાના પગલે ઉઠેલી ધૂળની ડમરીઓના પગલે સમગ્ર શહેર ધૂળની ડમરીઓથી ઢંકાઇ ગયું હતું. અમદાવાદ શહેરમાં સવારે ૭થી ૮ વાગ્યા સુધીના એક કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

શહેરના વિરાટનગર, ઓઢવ, રખિયાલ, નિકોલ, રામોલ, મણિનગર, વટવા, નરોડા, મેમ્કો સહિતના પૂર્વ વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, માનસી ચાર રસ્તા, શિવરંજની, જાેધપુર, સેટેલાઇટ, એસજી હાઇવે, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં પણ ૧થી ૧.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો..

ખેડા જિલ્લામાં એક સપ્તાહમાં બીજી વખત વરસાદી વાતાવરણ સર્જાયું હતુું. રવિવારે સવારે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતુું. જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં તો વરસાદ પડ્યો ઈંચમાં અને પાણી ભરાયા ફુટમાં તેવો ઘાટ સર્જાયો હતો. મોટાભાગના વિસ્તારોમાં વિજળી ડૂલ થઇ ગઈ હતી.

જ્યારે વૃક્ષ, વીજપોલ ધરાશાયી થયાં હતાં. નડિયાદમાં ધોધમાર વરસાદના પગલે શહેરના ખોડીયાર, શ્રેયસ, વૈશાલી, માઈ મંદિરના અંડરબ્રીજ પાણીથી છલોછલ થયા હતા.

ખેડા જિલ્લામાં તોફાની વરસાદના પગલે બે લોકોના મોત નિપજ્યા છે. ઠાસરા તાલુકાના શાહપુરા પાસે રોડ પરથી પસાર થઈ રહેલા મોટરસાયકલ સવાર પર એકાએક ઘટાદાર વૃક્ષ પડ્યું હતું. જેના કારણે ચાલક અને પાછળ બેઠેલા તેઓની પત્નીનું મોત નિપજ્યું હતું.

પત્નીનું ઘટના સ્થળે જ્યારે જ પતિનું ડાકોર સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પત્નીના મૃતદેહને પીએમ માટે ઠાસરા સીએચસી માં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે પતિના મૃતદેહને સીએચસી ડાકોરમાં પીએમ થશે. હાલ સમગ્ર મામલે ઠાસરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની અગાહી કરવામાં આવી છે, ગઈકાલ રાત્રે ભારે ઉકળાટ બાદ રાત્રીના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.