Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી પાનમ નદીમાં ઘોડાપૂરઃ

વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીઃ આ વર્ષે ચોમાસું ૧૦ દિવસ મોડું ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભઃ ભારે વરસાદની આગાહી

અમદાવાદ, ગુજરાત વાસી અને તેમાં પણ જગતના તાત એવા ખેડૂતો માટે સારા સમાચાર છે કે આજથી રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આ જાહેરાત કેન્દ્રીય હવામાન વિભાગે કર્યા બાદ ગુજરાત હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગ દ્વારા શનિવારે કરેલી આગાહી પ્રમાણે કહેવાયુ હતું કે રાજ્યમાં ૪૮ કલાકમાં ચોમાસાની શરૂઆત થઈ જશે, જેને ૨૪ કલાક વીતી ચુક્યા બાદ આજે કેન્દ્રીય હવામાન વિભાગ અને બાદમાં ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયાની જાહેરાત કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસુ વેરાવળ ભાવનગર આણંદ ની લાઈન ઉપર ચાલી રહ્યું છે. જ્યાંથી તે ગુજરાતમાં પ્રવેશ્યું છે. જે ૪૮ કલાકમાં વધુ પ્રોગ્રેસ કરશે અને બાદમાં થોડા દિવસમાં સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં ચોમાસુ જાેવા મળશે. હાલ જે ચોમાસાએ પ્રવેશ કર્યો છે જેને લઇને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. તો અમદાવાદ ગાંધીનગરમાં પણ છૂટો છવાયો ભારે વરસાદ લેવાનું પણ જણાવ્યું છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના ૯૦ જેટલા તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન માત્ર ૨ કલાકમાં ગોધરામાં પોણા ચાર ઈંચ, રાજકોટના લોધીકામાં ૩ અને ભાવનગરના જેસરમાં બે ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આજથી ગુજરાતમાં વિધિવત્‌ ચોમાસું બેઠું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦નો સમાવેશ થાય છે.

આગામી ૫ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ૨૭ જૂને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. ૨૮થી ૩૦ જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ તેમજ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ગઈકાલે પડેલા એક ઈંચ વરસાદ બાદ સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં સવારથી પડી રહેલા અસહ્ય બફારા બાદ બપોરના ૨ વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેમાં શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ, એરપોર્ટ રોડ, યાજ્ઞિક રોડ, રૈય રોડ, કિશાનપરા, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, મવડી વિસ્તાર, ગોંડલ રોડ અને માધાપર ચોક સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકામાં આજે બપોરે એકાએક વાતાવરણ પલટાયેલું જાેવા મળ્યું હતું. માલપુરના સજ્જનપુરા કંપા, ગોવિંદપુર, માલપુર નગરમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે મેઘરજના મેઘરજ નગર સહિત લિબોદ્રા, કૃષ્ણપુર, ઇસરી, તરકવાળા, જીતપુરમાં વરસાદ ખાબક્યો છે.

જ્યારે મોડાસાના લીંભોઈ અને વણીયાદ પંથકમાં વરસાદ ખાબક્યો છે. મોડાસા શામળાજી હાઇવે પર વરસાદના કારણે પાણી ભરાયા છે. ત્યારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું.

યાત્રાધામ અંબાજીમાં હાલ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. આજે રવિવારના દિવસે યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ મા જગતજનની અંબાનાં દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આજે ભક્તો વરસાદ વચ્ચે માનાં દર્શનાર્થે ઊમટ્યા હતા.

મધ્ય ગુજરાતમાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વલસાડ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાના સંકેતો અપાયા છે.

ગઈકાલથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. જેમાં આજે વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.